IPL 2026માં પોતાની વિસ્ફોટક બેટિંગથી સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચનાર યુવા સ્ટાર Vaibhav Sooryavanshi માત્ર 15 વર્ષની ઉંમરે જ સુપરસ્ટાર બની ગયો છે. રાજસ્થાન રોયલ્સ માટે રમતા આ ડાબોડી બેટ્સમેને આખી સિઝનમાં 16 મેચમાં 776 રન ફટકારી ઓરેન્જ કેપ જીતી હતી, જ્યારે 72 છક્કા ફટકારીને નવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. હવે ચાહકોમાં એક જ સવાલ ચર્ચામાં છે કે આખરે વૈભવ શું ખાય છે કે આટલા લાંબા-લાંબા છક્કા મારી શકે છે?
વૈભવે એક ઇન્ટરવ્યૂમાં પોતાના ખોરાક વિશે રસપ્રદ ખુલાસા કર્યા હતા. તેને મટન ખૂબ જ પસંદ છે. આ ઉપરાંત ચિકન અને માછલી પણ તેના મનપસંદ ખોરાકમાં સામેલ છે. બાળપણથી જ તેને નોન-વેજ ભોજનનો ખાસ શોખ રહ્યો છે. જોકે ક્રિકેટમાં આગળ વધવા માટે તેને પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપવું પડ્યું હતું અને કેટલાક ખોરાક પર નિયંત્રણ પણ રાખવું પડ્યું હતું. તેના કોચે અગાઉ ખુલાસો કર્યો હતો કે ફિટનેસ જાળવવા માટે તેની ડાયેટમાં પિઝા જેવા ખોરાક દૂર કરવામાં આવ્યા હતા.
માત્ર નોન-વેજ જ નહીં, વૈભવને મીઠાઈ પણ ખૂબ ગમે છે. ખાસ કરીને પીળા રંગની ‘રાજભોગ’ મીઠાઈ તેની સૌથી પ્રિય છે. કહેવાય છે કે જ્યારે પણ રાજભોગ તેની સામે આવે ત્યારે તે પોતાને તેને ખાવાથી રોકી શકતો નથી. આ ઉપરાંત ચીટ મીલ તરીકે તેને આઈસ્ક્રીમ પણ ખૂબ પસંદ છે.
IPL 2026 વૈભવ માટે સ્વપ્ન જેવી સિઝન સાબિત થઈ. રાજસ્થાન રોયલ્સ ભલે ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી હોય, પરંતુ વૈભવે પોતાની આક્રમક બેટિંગથી સમગ્ર ટૂર્નામેન્ટમાં આગવી ઓળખ બનાવી. ઓરેન્જ કેપ જીતવા ઉપરાંત તેણે સૌથી વધુ છક્કા ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો અને ભવિષ્યના ભારતીય ક્રિકેટના સૌથી મોટા સ્ટાર તરીકે પોતાની દાવેદારી મજબૂત કરી દીધી છે.
