ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન Virat Kohliના IPL ભવિષ્યને લઈને છેલ્લા કેટલાક સમયથી અનેક અટકળો ચાલી રહી હતી. જોકે હવે Royal Challengers Bengaluruના CEO રાજેશ મેનને આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે વિરાટ કોહલી આગામી ઓછામાં ઓછા ત્રણથી ચાર વર્ષ સુધી IPLમાં રમતા રહેશે અને RCB માટે મહત્વની ભૂમિકા ભજવશે.
રાજેશ મેનને એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે RCB અને વિરાટ કોહલી એક જ સિક્કાની બે બાજુઓ જેવા છે. ફ્રેન્ચાઇઝીએ ક્યારેય કોહલી વગરના ભવિષ્યની કલ્પના પણ કરી નથી. તેના જણાવ્યા અનુસાર કોહલી માત્ર ખેલાડી જ નહીં, પરંતુ RCBની ઓળખ અને બ્રાન્ડનો અભિન્ન હિસ્સો છે.
38 વર્ષની ઉંમર નજીક હોવા છતાં કોહલીની ફિટનેસ અને રમત પ્રત્યેનો જુસ્સો આજે પણ યથાવત છે. RCB મેનેજમેન્ટનું માનવું છે કે તેની શારીરિક ક્ષમતા અને સતત સારું પ્રદર્શન તેને હજુ ઘણા વર્ષો સુધી ટોચના સ્તરે રમવા માટે સક્ષમ બનાવે છે.
IPL 2026માં પણ કોહલીએ શાનદાર દેખાવ કર્યો હતો. તેમણે RCB માટે સૌથી વધુ 675 રન બનાવ્યા હતા અને ટીમને સતત બીજી વખત ખિતાબ જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેની બેટિંગમાં અનુભવ અને આક્રમકતાનો ઉત્તમ સમન્વય જોવા મળ્યો હતો.
RCB તરફથી મળેલા આ નિવેદન બાદ વિરાટના ચાહકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. જો CEOની આગાહી સાચી સાબિત થાય તો ક્રિકેટપ્રેમીઓને આગામી અનેક IPL સીઝનમાં પણ વિરાટ કોહલીની ક્લાસિક બેટિંગ અને RCBની જર્સીમાં તેમની હાજરી જોવા મળશે.
