IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચ બાદ વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચેનો હેન્ડશેક વિવાદ ચર્ચાનો વિષય બની ગયો છે. મેચ પૂર્ણ થયા બાદ કોહલીએ ટ્રેવિસ હેડ સાથે હાથ ન મિલાવતા સોશિયલ મીડિયા પર ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત મેચ દરમિયાન બંને ખેલાડીઓ વચ્ચે થયેલી તીખી બોલાચાલીથી થઈ હતી. ટ્રેવિસ હેડ તે મેચમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમતા હતા અને ફિલ્ડિંગ દરમિયાન મેદાનની બહાર હતા. આ દરમિયાન વિરાટ કોહલીએ મજાકીય અંદાજમાં હેડને કહ્યું હતું કે માત્ર બહાર બેસી રહેવાના બદલે મેદાનમાં આવીને થોડા ઓવર બોલિંગ પણ કરી લે. બંને વચ્ચે થયેલી આ નોકઝોક બાદ મેચ પૂરી થયા પછીનો હેન્ડશેક મોમેન્ટ વધુ ચર્ચામાં આવી ગયો.
મેચ સમાપ્ત થયા બાદ જ્યારે ટ્રેવિસ હેડે વિરાટ સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો ત્યારે કોહલી તેમને અવગણીને આગળ વધી ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને ક્રિકેટ જગત બે ભાગમાં વહેંચાઈ ગયું. કેટલાક લોકોએ કોહલીના આ વર્તનને ખોટું ગણાવ્યું જ્યારે કેટલાકે તેને મેદાનની સ્પર્ધાત્મક ભાવનાનો ભાગ ગણાવ્યો.
ભારતના પૂર્વ ઓલરાઉન્ડર Irfan Pathanએ પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. ઇરફાને કહ્યું કે વિરાટ હંમેશાં આક્રમક ઓસ્ટ્રેલિયન સ્ટાઇલની સ્પર્ધાત્મક ક્રિકેટને પસંદ કરે છે અને મેદાન પર ભાવનાઓ સાથે રમે છે. જોકે, તેણે એ પણ સ્વીકાર્યું કે મેચ પૂર્ણ થયા બાદ ટ્રેવિસ હેડ સાથે હાથ ન મિલાવવાની ઘટના ટાળી શકાય તેવી હતી.
આ મુકાબલો બંને ટીમો માટે ખૂબ મહત્વનો હતો કારણ કે ટોપ-2માં સ્થાન મેળવવાની રેસ માટે આ મેચ નિર્ણાયક હતી. મેચમાં હૈદરાબાદે જીત મેળવી, પરંતુ નેટ રન રેટના આધારે બેંગલુરુ ટેબલમાં ટોચ પર રહેવામાં સફળ રહ્યું.
