આઈપીએલ 2027 પહેલાં ભારતીય વિકેટકીપર-બેટ્સમેન Rishabh Pantની ફરી એકવાર Delhi Capitalsમાં વાપસી થઈ છે. બે સીઝન સુધી Lucknow Super Giants માટે રમ્યા બાદ પંત હવે પોતાની જૂની ટીમ સાથે જોડાયા છે. તેની વાપસી બાદ દિલ્હીના કેપ્ટન Axar Patelએ ખૂબ જ રમૂજી અંદાજમાં તેનું સ્વાગત કર્યું, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.
દિલ્હી કેપિટલ્સ દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં અક્ષર પટેલે ખુલાસો કર્યો કે ટ્રેડ ડીલ ફાઈનલ થયા બાદ ઋષભ પંતે તેને ફોન કર્યો હતો. જોકે તે સમયે અક્ષર પોતાના બાળક સાથે સમય વિતાવી રહ્યા હોવાથી ફોન ઉપાડી શક્યા નહોતા. બાદમાં અક્ષરે પંતને પાછો ફોન કર્યો ત્યારે પંતે ખુશખુશાલ અવાજમાં કહ્યું કે, “ભાઈ, કન્ફર્મ થઈ ગયું છે, હું પાછો આવી રહ્યો છું.”
આ પછી અક્ષર પટેલે મજાકીય અંદાજમાં કહ્યું, “સવારે ભટકેલો માણસ જો સાંજે ઘરે પાછો આવી જાય તો તેને ભટકેલો કહેવાતો નથી.” આ કહેવત દ્વારા તેણે પંતનું હાર્દિક સ્વાગત કર્યું. અક્ષરના આ નિવેદનથી બંને ખેલાડીઓ વચ્ચેની ગાઢ મિત્રતા અને મૈત્રીપૂર્ણ સંબંધો ફરી એકવાર સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે 2025ની હરાજીમાં લખનૌ સુપર જાયન્ટ્સે પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા અને ટીમની કમાન પણ સોંપી હતી. પરંતુ ટીમ સતત બે સીઝનમાં પ્લેઓફ સુધી પહોંચી શકી નહોતી. ત્યારબાદ મોટા ટ્રેડ ડીલ હેઠળ પંત ફરી દિલ્હી કેપિટલ્સમાં જોડાયા છે, જ્યારે સ્પિનર કુલદીપ યાદવ લખનૌ ટીમમાં ગયા છે. અહેવાલો મુજબ આ ટ્રેડ બાદ પંતના કરારમાં લગભગ 12 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
પંતની ઘરવાપસીથી દિલ્હી કેપિટલ્સના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓ બંનેને આશા છે કે પંતના અનુભવ અને આક્રમક રમતના કારણે આગામી સીઝનમાં દિલ્હી વધુ મજબૂત દેખાશે.
“Bhai, main wapas aa raha hun.” 🥹
Bapu & the whole of Dilli waited to hear just that 💙❤️ pic.twitter.com/5k1nDtNUTM
— Delhi Capitals (@DelhiCapitals) June 23, 2026
