ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 હવે પોતાના સૌથી મહત્વપૂર્ણ તબક્કા તરફ આગળ વધી રહી છે. લીગ સ્ટેજ સમાપ્ત થયા બાદ 26 મેથી પ્લેઓફ મુકાબલાઓ શરૂ થશે. આવી સ્થિતિમાં ચાહકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે જો પ્લેઓફ દરમિયાન વરસાદ પડશે તો મેચનું શું થશે અને વિજેતા કેવી રીતે નક્કી કરવામાં આવશે.
IPLમાં કુલ ચાર પ્લેઓફ મુકાબલા રમાય છે, જેમાં બે ક્વોલિફાયર, એક એલિમિનેટર અને એક ફાઈનલનો સમાવેશ થાય છે. હાલના નિયમો અનુસાર ક્વોલિફાયર-1, એલિમિનેટર અને ક્વોલિફાયર-2 માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જોકે BCCI વરસાદની સ્થિતિમાં મેચ પૂર્ણ થાય તે માટે વધારાનો સમય આપે છે.
સામાન્ય લીગ મેચોની સરખામણીએ પ્લેઓફમાં લગભગ 120 મિનિટ સુધીનો એક્સ્ટ્રા સમય આપવામાં આવે છે, જેથી સંપૂર્ણ 20 ઓવરની મેચ રમાવી શકાય. જો સતત વરસાદને કારણે 20 ઓવર શક્ય ન બને તો ઓછામાં ઓછા 5 ઓવરની મેચ કરાવવાનો પ્રયાસ થાય છે.
પરંતુ જો વરસાદ એટલો વધુ હોય કે 5 ઓવરની મેચ પણ શક્ય ન બને, તો પછી પોઈન્ટ્સ ટેબલમાં ઉપર રહેલી ટીમને આગળના રાઉન્ડમાં પ્રવેશ અપાશે. ઉદાહરણ તરીકે, ક્વોલિફાયર-1માં ટેબલની નંબર-1 અને નંબર-2 ટીમ વચ્ચે મેચ ન થઈ શકે તો નંબર-1 ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે.
ફાઈનલ મેચ માટે IPLમાં રિઝર્વ ડેની જોગવાઈ રાખવામાં આવી છે. જો ફાઈનલ દરમિયાન વરસાદ આવશે તો મેચ બીજા દિવસે ત્યાંથી ફરી શરૂ થશે, જ્યાં અટકાવવામાં આવી હતી. તેમ છતાં જો રિઝર્વ ડે પર પણ મેચ પૂર્ણ ન થઈ શકે તો લીગ સ્ટેજમાં ઉપર રહેલી ટીમને IPL ચેમ્પિયન જાહેર કરવામાં આવશે.

