TEST SERIES

પૈસા કમાવા ક્રિકેટ ભૂલ્યા પાકિસ્તાની યુવા ખેલાડીઓ

પાકિસ્તાન ક્રિકેટમાં ફરી એકવાર ખેલાડીઓની માનસિકતા અને પસંદગી પ્રક્રિયા પર સવાલો ઉઠ્યા છે. પાકિસ્તાનના પૂર્વ ટેસ્ટ સ્પિનર અને ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર ઈકબાલ કાસિમે વર્તમાન પેઢીના યુવા ક્રિકેટરો પર ગંભીર ટિપ્પણી કરી છે. તેમનું કહેવું છે કે ઘણા યુવા ખેલાડીઓ પોતાની રમત, સ્કિલ્સ અને ગેમ અવેરનેસ સુધારવા કરતાં પૈસા કમાવવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે.

ઈકબાલ કાસિમે કહ્યું કે આજના યુવા ખેલાડીઓમાં રમત પ્રત્યેની મહેનત અને કમિટમેન્ટનો અભાવ જોવા મળી રહ્યો છે. તેના મતે ક્રિકેટમાં સફળતા મેળવવાનો મૂળ મંત્ર આજે પણ એ જ છે—ખેલાડીએ પોતાની સ્કિલ્સ સુધારવા અને રમતને સમજવા માટે વ્યક્તિગત રીતે કેટલો સમય આપ્યો છે. પરંતુ પાકિસ્તાન ક્રિકેટમાં આ બાબત હવે પૂરતી જોવા મળતી નથી.

કાસિમે ખાસ કરીને પાકિસ્તાન સુપર લીગ (PSL)ના કોન્ટ્રાક્ટને લઈને પણ ચિંતા વ્યક્ત કરી. તેનું માનવું છે કે ઘણા યુવા ખેલાડીઓ માટે PSL કોન્ટ્રાક્ટ મેળવવો જ સફળતાનું મુખ્ય માપદંડ બની ગયો છે. તેણે કહ્યું કે કોચ, સપોર્ટ સ્ટાફ અને ડેટા પર વધુ પડતો આધાર રાખવાને કારણે ખેલાડીઓ પોતાની રીતે રમત પર વિચારવાનો અને પોતાની ખામીઓ સુધારવાનો સમય ઓછો આપી રહ્યા છે.

પૂર્વ સિલેક્ટરે પસંદગી પ્રક્રિયા પર પણ સવાલ ઉઠાવ્યા. તેણે કહ્યું કે વર્તમાન સમયમાં સિલેક્ટર્સને સારો પગાર મળે છે, છતાં પસંદગીના નિર્ણયોમાં લાંબા ગાળાની દૃષ્ટિ અને વિઝનની કમી જોવા મળે છે. કાસિમે પોતાના સમયને યાદ કરતાં જણાવ્યું કે તેઓ અને અન્ય સિલેક્ટર્સ કોઈ પગાર કે ફી વિના કામ કરતા હતા.

ઈકબાલ કાસિમે અંતમાં કહ્યું કે દેશ માટે રમવું કોઈપણ ક્રિકેટર માટે સૌથી મોટું સન્માન છે. તેના મતે ખેલાડી જેટલો પોતાની રમતનો સ્તર ઊંચો કરશે, એટલા પૈસા આપમેળે તેની પાછળ આવશે; પૈસાની પાછળ દોડવાની જરૂર નથી.

Exit mobile version