LATEST

48 કલાકમાં 26 હજાર ટિકિટ વેચાઈ

ભારતીય ક્રિકેટ ટીમની આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાની 12 મેચની ઓલ-ફોર્મેટ શ્રેણીએ ન્યૂઝીલેન્ડમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ટિકિટોના વેચાણમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC) અનુસાર, ‘ક્રિકેટ નેશન મેમ્બર સેલ’ શરૂ થયાના માત્ર પ્રથમ 48 કલાકમાં જ 26 હજાર ટિકિટો વેચાઈ ગઈ છે.

ભારતનો આ પ્રવાસ ઓક્ટોબરથી શરૂ થશે અને તેમાં પાંચ T20 ઈન્ટરનેશનલ, પાંચ ODI અને બે ટેસ્ટ મેચ રમાશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના જણાવ્યા અનુસાર, આ પ્રવાસ તેની આંતરરાષ્ટ્રીય સમર સીઝનની સૌથી વધુ માંગ ધરાવતી શ્રેણીઓમાં સામેલ થઈ ગયો છે. ખાસ કરીને ઓકલેન્ડના ઈડન પાર્કમાં યોજાનારી ચોથી T20I અને પ્રથમ ODI માટે ટિકિટનું વેચાણ સૌથી ઝડપી રહ્યું છે.

ક્રાઇસ્ટચર્ચનું 9 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતું હેગ્લી ઓવલ પણ હાઉસફુલ તરફ આગળ વધી રહ્યું છે. અહીં 22 અને 24 ઓક્ટોબરે શ્રેણીની શરૂઆતની બે T20I મેચ રમાશે. આ ઉપરાંત 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી પ્રવાસની બીજી અને અંતિમ ટેસ્ટ પણ આ મેદાન પર યોજાશે.

વેલિંગ્ટનમાં પણ ટિકિટની માંગ મજબૂત છે. HNRY સ્ટેડિયમમાં ત્રીજી T20I અને બીજી ODI રમાશે, જ્યારે ઐતિહાસિક બેસિન રિઝર્વમાં 19 નવેમ્બરથી પ્રથમ ટેસ્ટ શરૂ થશે.

NZCના ચીફ માર્કેટિંગ અને કોમર્શિયલ ઓફિસર ગ્લેન ક્રિચલીએ જણાવ્યું કે ભારત સામે ક્રિકેટ મેચ જોવાની તક ન્યૂઝીલેન્ડના ચાહકો માટે ખાસ છે. ટિકિટના ભાવ અગાઉની સીઝન જેટલા જ રાખવામાં આવ્યા છે અને ‘ક્રિકેટ નેશન’ કોડથી ટિકિટ 30 ન્યૂઝીલેન્ડ ડોલરથી પણ ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. સામાન્ય વેચાણ 7 સપ્ટેમ્બરથી શરૂ થશે.

Exit mobile version