LATEST

5 વર્ષનો સફર પૂર્ણ

ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્ડિંગ કોચ તરીકે છેલ્લા પાંચ વર્ષથી સેવા આપનાર ટી. દિલીપનો કાર્યકાળ હવે પૂર્ણ થયો છે. બીસીસીઆઈએ તેનો કરાર આગળ વધારવાનો નિર્ણય ન લેતા તેની જગ્યાએ શુભદીપ ઘોષની ફિલ્ડિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ બદલાવ બાદ ટી. દિલીપે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને ટીમ ઇન્ડિયા સાથેની પોતાની યાદોને તાજી કરી હતી.

ટી. દિલીપે પોતાની પોસ્ટમાં લખ્યું કે ભારતીય ટીમ સાથે જોડાયેલા પાંચ વર્ષ તેના જીવનના સૌથી યાદગાર અને ગૌરવપૂર્ણ વર્ષ રહ્યા. ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને બીસીસીઆઈનો તેણે દિલથી આભાર વ્યક્ત કર્યો. તેણે કહ્યું કે ટીમ સાથે કામ કરતાં માત્ર જીત જ નહીં, પરંતુ ખેલાડીઓ વચ્ચેનો વિશ્વાસ, મહેનત અને એકતા પણ તેના માટે સૌથી મોટી સિદ્ધિ રહી છે.

તેણે ખાસ કરીને ખેલાડીઓના સમર્પણ અને સતત સુધારાની ઈચ્છાની પ્રશંસા કરી હતી. ફિલ્ડિંગમાં ભારતીય ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને તેમાં પોતાના યોગદાન પર તેને ગર્વ હોવાનું પણ જણાવ્યું. દિલીપે લખ્યું કે ટીમ ઇન્ડિયાની જર્સી સાથે જોડાયેલી દરેક ક્ષણ હંમેશા તેના હૃદયમાં જીવંત રહેશે.

ટી. દિલીપના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે અનેક મોટી ટૂર્નામેન્ટોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમની ફિલ્ડિંગ ડ્રિલ્સ અને ‘ફિલ્ડિંગ મેડલ સેરેમની’ ખેલાડીઓમાં ખાસ્સી લોકપ્રિય બની હતી, જેના કારણે ટીમમાં હકારાત્મક સ્પર્ધા અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

વિદાય સંદેશના અંતે ટી. દિલીપે લખ્યું કે આ અંત નથી, પરંતુ નવી શરૂઆત છે. તેણે ભારતીય ક્રિકેટ માટે શુભેચ્છા પાઠવી અને કહ્યું કે તેઓ ભવિષ્યમાં પણ રમત સાથે જોડાયેલા રહેશે. તેના આ ભાવુક સંદેશ પર અનેક ક્રિકેટપ્રેમીઓ અને ખેલાડીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. બીજી તરફ, ટીમ ઇન્ડિયા હવે નવા ફિલ્ડિંગ કોચ શુભદીપ ઘોષના માર્ગદર્શન હેઠળ શ્રીલંકા સામેની આગામી ટેસ્ટ શ્રેણીની તૈયારીઓ કરશે.

Exit mobile version