ભારત સામે ટી20 શ્રેણીમાં ઐતિહાસિક 2-0થી જીત મેળવ્યા બાદ આયર્લેન્ડ ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ટીમના મુખ્ય કોચ હેનરિખ માલને પોતાના પદ પરથી રાજીનામું આપતાં હવે પૂર્વ કેપ્ટન ગેરી વિલ્સનને આયર્લેન્ડની પુરુષ ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ક્રિકેટ આયર્લેન્ડે આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી છે.
ગેરી વિલ્સન આયર્લેન્ડ માટે 15 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હતા. તેણે 2005થી 2020 દરમિયાન કુલ 292 આંતરરાષ્ટ્રીય મેચોમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. નિવૃત્તિ બાદ તેઓ કોચિંગ ક્ષેત્રે જોડાયા અને 2022થી આયર્લેન્ડની સિનિયર ટીમમાં સહાયક કોચ તરીકે સેવા આપી રહ્યા હતા. હવે તેઓ ટીમના મુખ્ય કોચ તરીકે નવી જવાબદારી નિભાવશે. તે છેલ્લા 30 વર્ષમાં આયર્લેન્ડમાં જન્મેલા પ્રથમ પુરુષ હેડ કોચ બન્યા છે.
નવી જવાબદારી મળ્યા બાદ ગેરી વિલ્સને કહ્યું કે આયર્લેન્ડ માટે ખેલાડી તરીકે રમવું તેના માટે ગૌરવની વાત હતી, પરંતુ હવે હેડ કોચ બનવું તેના જીવનની વિશેષ સિદ્ધિ છે. તેણે જણાવ્યું કે તેની કોચિંગ ફિલસૂફી મજબૂત સંવાદ, ખેલાડીઓ સાથે વિશ્વાસભર્યો સંબંધ, કઠોર મહેનત અને ખેલાડી કેન્દ્રિત અભિગમ પર આધારિત રહેશે. સાથે જ તેણે હેનરિખ માલનનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે.
હેનરિખ માલન આગામી એક મહિના સુધી ગેરી વિલ્સન સાથે રહીને સરળ હસ્તાંતરણ પ્રક્રિયામાં સહયોગ આપશે. ત્યારબાદ આયર્લેન્ડની ટીમ ઓગસ્ટમાં અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીથી 2027 વર્લ્ડ કપ ક્વોલિફાયરની તૈયારીઓ શરૂ કરશે. ભારત સામેની ઐતિહાસિક શ્રેણી જીત પછી હવે નવા કોચના માર્ગદર્શન હેઠળ આયર્લેન્ડની ટીમ વધુ મજબૂત પ્રદર્શન કરવાની આશા રાખી રહી છે.
█▓▒▒░░░BREAKING NEWS░░░▒▒▓█
Gary Wilson has been appointed Ireland Men’s new permanent head coach – read more: https://t.co/72vlJBtoge#BackingGreen #FailteSolar pic.twitter.com/Yz6xD76suy
— Cricket Ireland (@cricketireland) June 29, 2026

