LATEST

આશિષ નેહરાને ગણાવ્યા ક્રિકેટના સૌથી તેજસ્વી દિમાગ

ઈંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર મોઈન અલીએ ભારતીય ક્રિકેટના બે દિગ્ગજોના નામ વચ્ચે એક એવી પસંદગી કરી છે, જેણે ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચા જગાવી છે. સામાન્ય રીતે મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટનો સૌથી શાર્પ માઇન્ડ માનવામાં આવે છે, પરંતુ મોઈન અલીએ પૂર્વ ભારતીય ઝડપી બોલર અને હાલ ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ આશિષ નેહરાને પોતાના અનુભવ મુજબ સૌથી તેજસ્વી ક્રિકેટિંગ બ્રેઈન ગણાવ્યા છે.

મોઈન અલીએ એક પોડકાસ્ટ દરમિયાન જણાવ્યું હતું કે સારો ક્રિકેટિંગ બ્રેઈન તે વ્યક્તિ હોય છે, જેને રમતની દરેક પરિસ્થિતિની ઊંડી સમજ હોય અને દરેક પ્રશ્નનો યોગ્ય જવાબ હોય. તેના જણાવ્યા પ્રમાણે આશિષ નેહરા માત્ર અભિપ્રાય આપતા નથી, પરંતુ દરેક નિર્ણય પાછળ મજબૂત તર્ક, આંકડા અને ઉદાહરણો પણ રજૂ કરે છે. આ જ ગુણ તેને અન્ય લોકોથી અલગ બનાવે છે.

મોઈન અલીએ 2018થી 2020 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) તરફથી રમતાં આશિષ નેહરા સાથે નજીકથી કામ કર્યું હતું. તે સમય દરમિયાન નેહરા ટીમના બોલિંગ કોચ હતા. મોઈનના કહેવા પ્રમાણે નેહરાની રમતને વાંચવાની ક્ષમતા અને ખેલાડીઓ સાથેનો તેનો વ્યવહાર ખૂબ જ પ્રભાવશાળી હતો, જેના કારણે તેઓ હંમેશા ટીમને યોગ્ય દિશા આપી શકતા હતા.

ધોનીને વિશ્વ ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાં સ્થાન આપવામાં આવે છે અને તેની વ્યૂહરચનાની પ્રશંસા વિશ્વભરમાં થાય છે. તેમ છતાં મોઈન અલીના મતે જો માત્ર ક્રિકેટિંગ સમજ અને દરેક પરિસ્થિતિનું વિશ્લેષણ કરવાની ક્ષમતાની વાત કરવામાં આવે તો આશિષ નેહરા સૌથી આગળ આવે છે.

ઉલ્લેખનીય છે કે આશિષ નેહરાના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટાઇટન્સે IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને કોચ તરીકે પણ તેણે પોતાની આગવી ઓળખ બનાવી છે. મોઈન અલીનું આ નિવેદન ફરી એકવાર સાબિત કરે છે કે નેહરાની વ્યૂહાત્મક સમજને આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પણ ખૂબ ઊંચું સ્થાન આપે છે.

Exit mobile version