IPL 2026 પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમવા ઉતરશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આ ટેસ્ટ મેચ 6 થી 10 જૂન દરમિયાન ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુર સ્ટેડિયમમાં રમાશે. જોકે આ મુકાબલો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ નહીં હોય, પરંતુ ટીમ ઈન્ડિયા માટે આગામી મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝ પહેલાં તૈયારીરૂપ ગણાશે.
આ ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટા ફેરફારની ચર્ચાઓ જોર પકડી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, નંબર-3 પર બેટિંગ કરનાર સાઈ સુદર્શનની જગ્યાએ હવે દેવદત્ત પડિક્કલને તક મળી શકે છે. BCCI અને ટીમ મેનેજમેન્ટ IPL 2026માં પડિક્કલના શાનદાર પ્રદર્શનથી ખૂબ પ્રભાવિત હોવાનું કહેવાય છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે રમતા દેવદત્ત પડિક્કલે આ સીઝનમાં ધમાકેદાર બેટિંગ કરી છે. તેણે 11 મેચની 10 ઇનિંગ્સમાં 328 રન બનાવ્યા છે, જેમાં 3 અડધી સદીનો સમાવેશ થાય છે. માત્ર IPL જ નહીં, પરંતુ ઘરેલુ ક્રિકેટમાં પણ તેણે કર્ણાટક માટે સતત સારું પ્રદર્શન કર્યું છે. પડિક્કલે અત્યાર સુધી 54 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 42થી વધુની સરેરાશ સાથે 3627 રન નોંધાવ્યા છે.
બીજી તરફ, સાઈ સુદર્શન ટેસ્ટ ક્રિકેટમાં અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા નથી. IPL 2025માં શાનદાર પ્રદર્શન બાદ તેમને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે તક મળી હતી, પરંતુ 6 ટેસ્ટમાં તેઓ માત્ર 302 રન જ બનાવી શક્યા હતા. તેમની સરેરાશ 27.45 રહી હતી અને માત્ર બે અડધી સદી જ નોંધાવી શક્યા હતા.
એવામાં હવે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં દેવદત્ત પડિક્કલને તક મળે છે કે નહીં, તેના પર તમામ ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે.
