LATEST

16389 રન અને 333 વિકેટ સાથે શાનદાર કારકિર્દીનો અંત

ઓસ્ટ્રેલિયાના અનુભવી ઓલરાઉન્ડર મોઇસેસ હેનરિક્સે 22 વર્ષ લાંબા ઘરેલુ ક્રિકેટ કરિયરને અલવિદા કહી દીધી છે. ન્યૂ સાઉથ વેલ્સ અને સિડની સિક્સર્સ માટે વર્ષો સુધી રમનાર હેનરિક્સે પોતાની નિવૃત્તિની જાહેરાત સાથે ક્રિકેટ જગતમાં એક યાદગાર અધ્યાયનો અંત લાવ્યો છે. 39 વર્ષીય હેનરિક્સ હવે ઓસ્ટ્રેલિયાની ઘરેલુ ક્રિકેટ સ્પર્ધાઓમાં રમતા જોવા નહીં મળે.

હેનરિક્સ ઓસ્ટ્રેલિયન ઘરેલુ ક્રિકેટના સૌથી વધુ મેચ રમનારા ખેલાડી રહ્યા છે. પોતાના સમગ્ર કરિયરમાં તેણે તમામ ફોર્મેટ મળીને 16,389 રન બનાવ્યા અને 333 વિકેટ ઝડપી હતી. બેટ અને બોલ બંનેથી સતત યોગદાન આપનાર હેનરિક્સ ન્યૂ સાઉથ વેલ્સ અને સિડની સિક્સર્સ માટે અનેક યાદગાર જીતના હીરો રહ્યા હતા.

આ પહેલાં તેઓ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા હતા, પરંતુ વન-ડે કપ અને બિગ બેશ લીગમાં રમવાનું ચાલુ રાખ્યું હતું. જોકે, આ વખતે સિડની સિક્સર્સ તરફથી નવો કરાર ન મળતા તેણે ઘરેલુ ક્રિકેટને સંપૂર્ણ રીતે અલવિદા કહેવાનો નિર્ણય કર્યો. તાજેતરમાં તેમની પીઠની સર્જરી પણ થઈ હતી, જેના કારણે આ નિર્ણય વધુ સરળ બન્યો હોવાનું માનવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે હેનરિક્સે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ, વન-ડે અને ટી20 ક્રિકેટ રમ્યું હતું. જોકે ઈજાઓ અને સતત સ્પર્ધાને કારણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી લાંબી ચાલી શકી નહોતી. તેમ છતાં ઘરેલુ ક્રિકેટમાં તેઓ લાંબા સમય સુધી સૌથી વિશ્વસનીય ઓલરાઉન્ડરોમાં સામેલ રહ્યા હતા.

નિવૃત્તિ બાદ હેનરિક્સે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ક્રિકેટથી સંપૂર્ણપણે દૂર નહીં થાય. તેઓ પોતાના જન્મદેશ પોર્ટુગલ તરફથી ટી20 વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ રમવાની તૈયારી કરી રહ્યા છે અને સાથે જ વિશ્વભરની વિવિધ ટી20 લીગમાં પણ રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. હેનરિક્સે પોતાના કરિયર દરમિયાન મળેલા સમર્થન બદલ તમામ સાથી ખેલાડીઓ, કોચ અને ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Exit mobile version