LATEST

ક્રિકેટ જગતમાં શોક

ભારતીય ક્રિકેટ જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પૂર્વ ક્રિકેટર અમનપ્રીત સિંહ ગિલનું બુધવારે સવારે નિધન થયું છે. તેના અવસાનથી પંજાબ ક્રિકેટ તેમજ સમગ્ર ક્રિકેટ વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. IPL ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સ અને પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA)એ સોશિયલ મીડિયા મારફતે તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પંજાબ કિંગ્સે પોતાની સત્તાવાર ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા અમનપ્રીત સિંહ ગિલને યાદ કરતાં દુઃખ વ્યક્ત કર્યું હતું. તેઓ IPLના શરૂઆતના સમયમાં પંજાબ કિંગ્સ સાથે જોડાયેલા રહ્યા હતા. બીજી તરફ, PCAએ પણ પોતાના સત્તાવાર X હેન્ડલ પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે અમનપ્રીત ગિલે પંજાબ ક્રિકેટ માટે સંપૂર્ણ સમર્પણ અને નિષ્ઠા સાથે સેવા આપી હતી.

PCAએ પોતાના સંદેશમાં લખ્યું કે, “અમનપ્રીત સિંહ ગિલે ભારત અંડર-19 ટીમ, પંજાબ ટીમ અને પંજાબ કિંગ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તેની આત્માને શાંતિ મળે અને પરિવારને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે.” તેનો અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે ચંડીગઢના મનીમાજરા શ્મશાન ઘાટ ખાતે કરવામાં આવશે.

અમનપ્રીત સિંહ ગિલ રાઇટ-આર્મ મિડિયમ-ફાસ્ટ બોલર તરીકે જાણીતા હતા. તેનો જન્મ 16 સપ્ટેમ્બર 1989ના રોજ થયો હતો. તેણે પંજાબ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યું હતું અને ભારતની અંડર-19 ટીમમાં પણ સ્થાન મેળવ્યું હતું. ક્રિકેટ કારકિર્દી બાદ તેઓ પંજાબ ક્રિકેટ એસોસિએશનની સિનિયર સિલેક્શન કમિટીના સભ્ય પણ રહ્યા હતા. તેણે 2019-20, 2020-21, 2022-23 અને 2024-25 સીઝનમાં આ જવાબદારી નિભાવી હતી.

તેના નિધનથી ક્રિકેટ જગતે એક સમર્પિત ખેલાડી અને પ્રશાસક ગુમાવ્યો છે.

Exit mobile version