LATEST

BCCI અને મોહસિન નકવી વચ્ચેનો વિવાદ

મહિલા એશિયા કપ 2026 શરૂ થાય તે પહેલાં જ ભારત અને પાકિસ્તાન ક્રિકેટ વચ્ચે એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. આગામી ટૂર્નામેન્ટમાં જો ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન બને છે, તો ટ્રોફી કોના હાથે સ્વીકારવી તે મુદ્દે ફરી એકવાર BCCI માટે પડકાર ઊભો થઈ શકે છે. કારણ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ પણ છે.

આ સમગ્ર મામલો ગયા વર્ષના એશિયા કપની ઘટનાને કારણે વધુ મહત્વનો બન્યો છે. 2025માં ભારતીય પુરુષ ટીમે એશિયા કપનો ખિતાબ જીત્યા બાદ મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે આ ઘટના ક્રિકેટ જગતમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. ભારતીય ટીમે ટ્રોફી વગર જ જીતની ઉજવણી કરી હતી.

હવે નજર મહિલા એશિયા કપ 2026 પર છે. ટૂર્નામેન્ટ 28 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની છે અને ભારત તથા પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. બંને ટીમો વચ્ચે લીગ તબક્કાની મેચ 5 સપ્ટેમ્બરે રમાવાની છે. જો બંને ટીમો ફાઇનલમાં પહોંચે અને ભારત ખિતાબ જીતે, તો ફરી ટ્રોફી પ્રેઝન્ટેશનનો પ્રશ્ન ઊભો થઈ શકે છે.

સૌથી મોટો સવાલ એ છે કે જો નકવી જ ટ્રોફી આપવા માટે સ્ટેજ પર હાજર હોય તો ભારતીય મહિલા ટીમનો વલણ શું રહેશે? શું હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ પણ ગયા વર્ષની પુરુષ ટીમની જેમ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં? આ અંગે BCCI તરફથી હજુ કોઈ સત્તાવાર નિર્ણય કે સ્પષ્ટતા સામે આવી નથી.

આ કારણે મહિલા એશિયા કપ માત્ર મેદાન પરની ભારત-પાકિસ્તાન ટક્કર માટે જ નહીં, પરંતુ ટૂર્નામેન્ટ બાદની ટ્રોફી પ્રેઝન્ટેશનને લઈને પણ ચર્ચામાં રહેશે. હવે સૌની નજર BCCI અને ભારતીય મહિલા ટીમના વલણ પર રહેશે.

Exit mobile version