LATEST

શ્રીલંકા પ્રવાસ પહેલા જાડેજાનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ ટીમના શ્રીલંકા પ્રવાસ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. જોકે અહીં વાત સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનુભવી ડાબોડી સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાની છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આગામી સ્થાનિક સીઝન પહેલાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવી લીધો છે અને હવે તેઓ છત્તીસગઢ તરફથી રમવાનો નિર્ણય કરી ચૂક્યા છે.

36 વર્ષીય ધર્મેન્દ્રસિંહ જાડેજા છેલ્લા 13 વર્ષથી સૌરાષ્ટ્રની બોલિંગ આક્રમણના મુખ્ય સ્તંભ રહ્યા છે. તેમણે પ્રથમ શ્રેણીની ક્રિકેટમાં 100 મેચ રમીને 423 વિકેટ ઝડપી છે, જ્યારે લિસ્ટ-એમાં 90 અને ટી20 ક્રિકેટમાં 73 મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમના યોગદાનથી સૌરાષ્ટ્રે 2019-20 અને 2022-23ની રણજી ટ્રોફી જીતવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી હતી.

અહેવાલો મુજબ ધર્મેન્દ્રસિંહ અને સૌરાષ્ટ્ર ટીમ મેનેજમેન્ટ વચ્ચે તેની ભૂમિકા અંગે ચર્ચા થઈ હતી. ટીમ મેનેજમેન્ટ ઈચ્છતું હતું કે તેઓ મુખ્યત્વે રેડ-બોલ ક્રિકેટ પર ધ્યાન આપે, જ્યારે ધર્મેન્દ્રસિંહ તમામ ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખવા માંગતા હતા. અંતે બંને પક્ષોની સહમતી બાદ તેણે ટીમ બદલવાનો નિર્ણય લીધો.

છત્તીસગઢ માટે ધર્મેન્દ્રસિંહનું આગમન ટીમને અનુભવ અને ગુણવત્તાયુક્ત સ્પિન બોલિંગનો મોટો આધાર આપશે. બીજી તરફ, સૌરાષ્ટ્ર માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે ટીમે પોતાના સૌથી સફળ સ્થાનિક સ્પિનરોમાંથી એકને ગુમાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રસિંહ જાડેજાનો રવિન્દ્ર જાડેજા સાથે માત્ર અટક અને બોલિંગ શૈલીનો જ સંબંધ છે, બંને વચ્ચે કોઈ પારિવારિક સંબંધ નથી. તેમ છતાં સ્થાનિક ક્રિકેટમાં ધર્મેન્દ્રસિંહે પોતાના પ્રદર્શનના આધારે અલગ ઓળખ ઉભી કરી છે અને હવે તેઓ નવી ટીમ સાથે પોતાની કારકિર્દીનું નવું અધ્યાય શરૂ કરવા તૈયાર છે.

Exit mobile version