LATEST

માન નહીં, અપમાન મળ્યું

વેસ્ટઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન અને ‘યુનિવર્સ બોસ’ તરીકે જાણીતા Chris Gayleએ IPL ફ્રેન્ચાઇઝી Punjab Kingsના ટીમ મેનેજમેન્ટ સામે ગંભીર આરોપો લગાવી ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. ગેઇલે ખુલાસો કર્યો કે પંજાબ ટીમ સાથેના સમય દરમિયાન તેને સિનિયર ખેલાડી તરીકે યોગ્ય સન્માન મળ્યું નહોતું અને ઘણી વખત અપમાનજનક વર્તનનો સામનો કરવો પડ્યો હતો.

ક્રિસ ગેઇલ વર્ષ 2018થી 2021 સુધી પંજાબ કિંગ્સનો ભાગ રહ્યા હતા. IPL 2018ની હરાજીમાં શરૂઆતમાં અનસોલ્ડ રહેલા ગેઇલને બાદમાં પંજાબે તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યા હતા. ગેઇલે હવે જણાવ્યું કે ટીમ માટે યોગદાન આપ્યા છતાં તેને ક્યારેય યોગ્ય માન આપવામાં આવ્યું નહીં.

ગેઇલે કહ્યું, “પંજાબ કિંગ્સના મેનેજમેન્ટ અને માલિકોએ મારું ઘણું અપમાન કર્યું. મેં ટીમ અને IPL માટે ઘણું આપ્યું છતાં સિનિયર ખેલાડી તરીકે મને યોગ્ય સન્માન મળ્યું નહોતું. મને લાગ્યું કે મારી સાથે બાળક જેવી વર્તણૂક થઈ રહી છે.”

તેણે વધુમાં ખુલાસો કર્યો કે તે સમય દરમિયાન તેઓ માનસિક રીતે ખૂબ પરેશાન થઈ ગયા હતા. ગેઇલના જણાવ્યા અનુસાર, “એક સમયે મને લાગ્યું કે હું ડિપ્રેશનમાં જઈ રહ્યો છું. હું ખૂબ દુઃખી હતો અને Anil Kumble સાથે વાત કરતી વખતે રડી પણ પડ્યો હતો.”

ગેઇલે વધુમાં જણાવ્યું કે KL Rahulએ તેને ટીમ સાથે રહેવા માટે ફોન પણ કર્યો હતો, પરંતુ તેણે ટીમ છોડવાનો નિર્ણય કરી લીધો હતો. ત્યારબાદ ગેઇલે IPL 2022ની મેગા ઓક્શનમાં પોતાનું નામ નોંધાવ્યું નહોતું.

ક્રિસ ગેઇલે પંજાબ કિંગ્સ માટે કુલ 41 મેચોમાં 1339 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને 10 અડધી સદીનો સમાવેશ થાય છે.

Exit mobile version