LATEST

એક જ બોલ પર બે વાર આઉટ

IPL 2026ના એક રોમાંચક મુકાબલામાં ક્રિકેટ પ્રેમીઓને એક એવી ઘટના જોવા મળી, જે પહેલાં કદાચ જ ક્યારેય જોવા મળી હશે. દિલ્હી સ્થિત અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેના મુકાબલામાં નિતીશ રાણા એક જ બોલ પર બે અલગ રીતે આઉટ થતા ચર્ચાનો વિષય બની ગયા છે.

દિલ્લી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા 29 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા નિતીશ રાણાએ ઝડપી રમવાનો પ્રયાસ કર્યો અને 13 બોલમાં 15 રન બનાવ્યા. જોકે, તેની ઇનિંગ્સ એક અજોડ રીતે સમાપ્ત થઈ.

મેચના 10મા ઓવરમાં નૂર અહમદની બોલિંગ દરમિયાન રાણાએ ડીપ બેકવર્ડ સ્ક્વેર તરફ શોટ મારવાનો પ્રયાસ કર્યો. ફીલ્ડર કાર્તિક શર્માએ કેચ પકડી લીધો અને અંપાયરે તેને કેચ આઉટ જાહેર કર્યો. પરંતુ ટીવી રીપ્લેમાં સ્પષ્ટ જોવા મળ્યું કે બોલ બેટને લાગ્યા પહેલાં જ રાણાનો બેટ સ્ટમ્પ્સ સાથે અથડાયો હતો, જેના કારણે બેલ્સ પડી ગઈ હતી.

આનો અર્થ એ થાય છે કે રાણા પહેલેથી જ “હિટ વિકેટ” આઉટ થઈ ચૂક્યા હતા. છતાં, આ બાબત પર કોઈનું ધ્યાન ગયું નહીં અને તેને કેચ આઉટ આપવામાં આવ્યા. દિલ્હી કેપિટલ્સ કે રાણાની તરફથી પણ કોઈ અપીલ કરવામાં આવી નહોતી.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હવે આ મુદ્દે ચર્ચા જોર પકડી રહી છે. ઘણા ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતો આ નિર્ણયને પ્રશ્નાર્થ ગણાવી રહ્યા છે.

આ ઘટનાથી નિતીશ રાણા ક્રિકેટ ઇતિહાસમાં એવા ખેલાડી બની ગયા છે, જે એક જ બોલ પર બે વખત આઉટ થયાની અનોખી ઘટના સાથે જોડાયા છે.

Exit mobile version