LATEST

રાજીવ શુક્લા-મોહસિન નકવીની તસવીર વાયરલ

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની ચૂંટણીમાં ભારતને મોટો રાજકીય-પ્રશાસકીય ઝટકો લાગ્યો છે. બેંગકોકમાં યોજાયેલી ACCની વાર્ષિક સામાન્ય સભા દરમિયાન ત્રણ ડિરેક્ટર પદ માટે થયેલી ચૂંટણીમાં પાકિસ્તાન સમર્થિત પેનલે ત્રણેય બેઠકો જીતી લીધી છે. આ પરિણામને એશિયન ક્રિકેટના વહીવટી માળખામાં પાકિસ્તાનના વધતા પ્રભાવ તરીકે જોવામાં આવી રહ્યું છે.

ચૂંટણીમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ અને ACCના પ્રમુખ મોહસિન નકવીના સમર્થનવાળા ઉમેદવારો મેદાનમાં હતા. આ પેનલમાં કતાર, સિંગાપોર અને માલદીવના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો. ત્રણેય ઉમેદવારોએ જીત મેળવી અને ભારત સમર્થિત પેનલને ત્રણેય બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો. અહેવાલો અનુસાર, ACCની સ્થાપના બાદ પ્રથમ વખત પાકિસ્તાન સમર્થિત પેનલે ત્રણેય ઉપલબ્ધ ડિરેક્ટર પદો પર કબજો કર્યો છે.

ભારત તરફથી BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ બેઠકમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ચૂંટણીના પરિણામ વચ્ચે રાજીવ શુક્લા અને મોહસિન નકવી એકસાથે જોવા મળ્યા હતા, જેની તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

ACCની બેઠકમાં આગામી એશિયા કપની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આગામી ટુર્નામેન્ટ માટે બાંગ્લાદેશના સિલહટ, મિરપુર અને ચટ્ટોગ્રામ જેવા સ્થળોના નામ પર ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે.

આ ચૂંટણીનું પરિણામ માત્ર ત્રણ બેઠકો પૂરતું મર્યાદિત નથી. એશિયન ક્રિકેટના નિર્ણયોમાં પાકિસ્તાન સમર્થિત જૂથની અસર હવે વધુ મજબૂત બની શકે છે. બીજી તરફ, ભારત જેવા એશિયન ક્રિકેટના સૌથી શક્તિશાળી ક્રિકેટ બોર્ડ માટે આ પરિણામ ચોક્કસપણે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

Exit mobile version