ઝિમ્બાબ્વેના અનુભવી ક્રિકેટર બ્રેન્ડન ટેલરે ભારતના મહાન બેટ્સમેન Sachin Tendulkar નો એક મોટો ODI રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં મેદાન પર ઉતરતાની સાથે જ ટેલર પુરુષોના વનડે ક્રિકેટમાં સૌથી લાંબી કારકિર્દી ધરાવનાર ખેલાડી બની ગયો છે.
ટેલરે વર્ષ 2004માં ઝિમ્બાબ્વે માટે ODI ડેબ્યૂ કર્યું હતું. 15 સપ્ટેમ્બર 2026ના રોજ હરારેમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રમવા ઉતરતા તેની ODI કારકિર્દીનો સમયગાળો 22 વર્ષ અને 4 મહિના સુધી પહોંચી ગયો. આ સાથે તેણે સચિન તેંડુલકરનો 22 વર્ષ અને 3 મહિનાનો રેકોર્ડ પાછળ છોડી દીધો.
સચિન તેંડુલકરે 1989થી 2012 સુધી ભારત માટે ODI ક્રિકેટ રમ્યું હતું. ભલે તેમનો સૌથી લાંબી ODI કારકિર્દીનો રેકોર્ડ હવે ટેલરના નામે થઈ ગયો હોય, પરંતુ સચિનના ઘણા ઐતિહાસિક રેકોર્ડ આજે પણ અડીખમ છે. ખાસ કરીને ODIમાં સૌથી વધુ 18,426 રન અને સૌથી વધુ 463 મેચ રમવાનો રેકોર્ડ હજુ પણ સચિનના નામે છે.
બીજી તરફ, 40 વર્ષીય બ્રેન્ડન ટેલર ઝિમ્બાબ્વેના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક છે. તેણે અત્યાર સુધી 207 ODI મેચોમાં 11 સદી ફટકારી છે, જે ઝિમ્બાબ્વે માટે રાષ્ટ્રીય રેકોર્ડ છે. ટેલરે 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, પરંતુ બાદમાં 2025માં ફરી ઝિમ્બાબ્વેની ટીમમાં વાપસી કરી હતી.
આ રીતે બ્રેન્ડન ટેલરે સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ક્રિકેટરના નામે રહેલો એક ઐતિહાસિક રેકોર્ડ તોડીને ક્રિકેટ જગતમાં પોતાનું નામ વધુ એક વખત નોંધાવ્યું છે.
Brendan Taylor surpassed Sachin Tendulkar for the longest men’s ODI career, spanning 22 years and 148 days. He played his 208th ODI for Zimbabwe. https://t.co/2i5comjEo4
— News18 CricketNext (@cricketnext) September 15, 2026
