ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને પૂર્વ BCCI પ્રમુખ Sourav Ganguly ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. જોકે આ વખતે કારણ ક્રિકેટ નહીં પરંતુ તેની સુરક્ષા વ્યવસ્થા છે. પશ્ચિમ બંગાળ સરકારે સૌરવ ગાંગુલીને આપવામાં આવેલી Z કેટેગરીની સુરક્ષા ઘટાડીને Y કેટેગરીમાં ફેરવી દીધી છે. આ નિર્ણય બાદ તેની સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, રાજ્યની સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા તાજેતરના સુરક્ષા મૂલ્યાંકન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. Z કેટેગરી સુરક્ષા હેઠળ ગાંગુલીને વધુ સંખ્યામાં સુરક્ષાકર્મીઓ મળતા હતા, જ્યારે હવે Y કેટેગરી હેઠળ તેની સુરક્ષા વ્યવસ્થા અગાઉની સરખામણીએ મર્યાદિત રહેશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં પશ્ચિમ બંગાળ સરકારે ગાંગુલીની સુરક્ષા Yમાંથી વધારીને Z કેટેગરી કરી હતી. તે સમયે તેને 8થી 10 જેટલા સુરક્ષાકર્મીઓની ટીમ આપવામાં આવી હતી. સુરક્ષા સમીક્ષા બાદ તેની સુરક્ષા વધારવાનો નિર્ણય લેવાયો હતો.
તાજેતરમાં પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મોટા ફેરફારો થયા છે અને રાજ્યમાં નવી સરકાર સત્તામાં આવી છે. આ બદલાયેલા રાજકીય અને પ્રશાસનિક માહોલ વચ્ચે ગાંગુલીની સુરક્ષા શ્રેણીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે સરકાર અથવા પોલીસ વિભાગ તરફથી આ નિર્ણય પાછળનું કોઈ વિશેષ કારણ જાહેર કરવામાં આવ્યું નથી.
ક્રિકેટ જગતમાં “દાદા” તરીકે જાણીતા સૌરવ ગાંગુલી હાલમાં ક્રિકેટ વહીવટ અને કોમેન્ટ્રી સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય છે. તેની સુરક્ષા વ્યવસ્થામાં થયેલો આ ફેરફાર હવે રાજકીય અને રમતગમત વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
Ex-India captain Sourav Ganguly’s security downgraded from Z category to Y #SouravGanguly #Crickethttps://t.co/7xm4WQYpFt pic.twitter.com/4VkxrXsnLe
— CricketNDTV (@CricketNDTV) June 3, 2026

