LATEST

શ્રીસંતે હરભજનને રિંગમાં લડવાની આપી ખુલ્લી ચેલેન્જ

ભારતીય ક્રિકેટના સૌથી ચર્ચિત વિવાદોમાંથી એક ગણાતો 2008નો ‘સ્લેપગેટ’ કાંડ ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર S. Sreesanth અને પૂર્વ સ્પિનર Harbhajan Singh વચ્ચેનો જૂનો વિવાદ 18 વર્ષ બાદ ફરી તાજો બન્યો છે. શ્રીસંતે હરભજનને ખુલ્લેઆમ બોક્સિંગ રિંગમાં આવીને સામનો કરવાની ચેલેન્જ આપી છે.

અહેવાલ મુજબ, તાજેતરમાં હરભજન સિંહના એક જાહેરાત અભિયાનને લઈને શ્રીસંત નારાજ થયા હતા. શ્રીસંતનો આરોપ છે કે આ જાહેરાતમાં 2008ના સ્લેપગેટ ઘટનાક્રમનો પરોક્ષ રીતે ઉલ્લેખ કરીને તેનો મજાક બનાવવામાં આવ્યો અને તેમાંથી નાણાકીય લાભ મેળવવામાં આવ્યો. આ કારણે બંને વચ્ચે ફરી તણાવ વધ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

એક ટોક શોમાં હાજરી દરમિયાન શ્રીસંતને હરભજન સાથે બોક્સિંગ ગ્લોવ્સ પહેરેલી જૂની તસવીર બતાવવામાં આવી હતી. તેના જવાબમાં તેણે સીધું હરભજનને પડકાર આપતાં કહ્યું કે જો હિંમત હોય તો રિંગમાં આવીને સામસામે લડે. શ્રીસંતે જણાવ્યું કે આ કોઈ મજાક કે અભિનય નથી, પરંતુ તેની તરફથી આપવામાં આવેલી સત્તાવાર ખુલ્લી ચેલેન્જ છે. તેણે વધુમાં કહ્યું કે જો જૂના વિવાદનો ઉલ્લેખ કરીને કમાણી થઈ રહી હોય તો હવે રિંગમાં આવીને મામલો સમાપ્ત કરવો જોઈએ.

બીજી તરફ હરભજન સિંહે સીધો જવાબ આપ્યો નથી, પરંતુ સોશિયલ મીડિયા પર એક રહસ્યમય વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તેણે કહ્યું કે “ખાલી વાસણો જ વધારે અવાજ કરે છે.” જોકે તેણે કોઈનું નામ લીધું નહોતું, પરંતુ ચાહકો આ પ્રતિક્રિયાને શ્રીસંતની ચેલેન્જ સાથે જોડીને જોઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે IPL 2008 દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચ બાદ હરભજને શ્રીસંતને થપ્પડ મારી હતી. તે ઘટનાએ સમગ્ર ક્રિકેટ જગતમાં ભારે વિવાદ સર્જ્યો હતો. વર્ષો બાદ બંને વચ્ચે સમાધાન થયાનું માનવામાં આવતું હતું, પરંતુ હવે આ જૂનો ઘા ફરી એકવાર તાજો બન્યો છે.

Exit mobile version