ભારતીય ક્રિકેટ ચાહકો માટે 17 જૂન 2026નો દિવસ ખાસ બનવાનો છે. આ દિવસે ભારતની ત્રણ અલગ-અલગ ટીમો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક્શનમાં જોવા મળશે. પુરુષ સિનિયર ટીમ, ભારત ‘A’ ટીમ અને મહિલા ટીમ – ત્રણેય પોતાના મહત્વપૂર્ણ મુકાબલા રમશે, જેના કારણે ચાહકોને આખો દિવસ ક્રિકેટનો ડબલ નહીં પરંતુ ટ્રિપલ ડોઝ મળશે.
સૌથી પહેલા નજર રહેશે ભારતીય પુરુષ ટીમ પર, જે લખનૌના એકાના સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચ રમશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે પ્રથમ વનડેમાં 7 વિકેટે જીત મેળવી સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે બીજી મેચ જીતી ભારત સિરીઝ પોતાના નામે કરવાની કોશિશ કરશે. પ્રથમ મેચમાં ગિલે અણનમ 84 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.
બીજી તરફ, શ્રીલંકામાં ચાલી રહેલી ટ્રાય-નેશન સિરીઝમાં ભારત ‘A’ ટીમ અફઘાનિસ્તાન ‘A’ સામે નિર્ણાયક મુકાબલો રમશે. ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે ભારત ‘A’ માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. યુવા ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા સાબિત કરવાની આ મોટી તક રહેશે.
આ સાથે જ મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમ નેધરલેન્ડ્સ સામે મેદાનમાં ઉતરશે. ભારતે પોતાના પ્રથમ મુકાબલામાં પાકિસ્તાનને હરાવી શાનદાર શરૂઆત કરી હતી અને હવે નેધરલેન્ડ્સ સામે જીત મેળવી સેમિફાઇનલ તરફ વધુ એક મજબૂત પગલું ભરવા ઇચ્છશે.
આ રીતે 17 જૂનના રોજ ભારતીય ક્રિકેટના ત્રણ અલગ મોરચા પર જંગ જોવા મળશે. સિનિયર ટીમ સિરીઝ જીતવાના મિશન સાથે ઉતરશે, ભારત ‘A’ ફાઇનલની રેસમાં ટકી રહેવા માટે લડશે અને મહિલા ટીમ વર્લ્ડ કપમાં પોતાની જીતની લય જાળવવાનો પ્રયાસ કરશે. ક્રિકેટપ્રેમીઓ માટે આ દિવસ ખરેખર યાદગાર બની શકે છે.

