IPL 2026ના રોમાંચ વચ્ચે ક્રિકેટ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન Mike Smithનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનના સમાચાર બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
માઈક સ્મિથે ઇંગ્લેન્ડ માટે 50 ટેસ્ટ મેચ રમી હતી, જેમાંથી 25 ટેસ્ટમાં તેમણે ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. તેઓ માત્ર ક્રિકેટર જ નહીં પરંતુ રગ્બી યુનિયનના આંતરરાષ્ટ્રીય ખેલાડી પણ રહ્યા હતા. વર્ષ 1956માં તેમણે વેલ્સ સામે રગ્બીમાં પણ ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
તેમની કાઉન્ટી ટીમ Warwickshire County Cricket Clubએ સોમવારે તેમના નિધનની સત્તાવાર જાહેરાત કરી હતી. માઈક સ્મિથે 1958માં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું, જ્યારે 1972માં ઓસ્ટ્રેલિયા સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી.
ક્લબ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું કે, “વારવિકશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબને તેના દિગ્ગજ ખેલાડી એમજેકે સ્મિથના 92 વર્ષની ઉંમરે નિધનની ખબર સાંભળીને ભારે દુઃખ થયું છે.” સ્મિથે 1991થી 2003 દરમિયાન ક્લબના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.
આંકડાઓની વાત કરીએ તો માઈક સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં 31.63ની સરેરાશથી 2278 રન બનાવ્યા હતા, જેમાં 3 શતક અને 11 અર્ધશતક સામેલ હતા. ઉપરાંત 637 ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેમણે 39,832 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેમના બેટમાંથી 69 સદી અને 241 અર્ધસદી આવી હતી.
ક્રિકેટમાં પણ તેમણે 140 મેચોમાં 3106 રન બનાવ્યા હતા. તમામ ફોર્મેટ મળીને તેમણે 40 હજારથી વધુ રન બનાવી ઇંગ્લિશ ક્રિકેટમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું હતું.

