LATEST

વરસાદ બનશે RR માટે વિલન?

IPL 2026નો ક્વોલિફાયર-2 મુકાબલો આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાવાનો છે, પરંતુ મેચ પહેલાં વરસાદની શક્યતાએ ચાહકોની ચિંતા વધારી દીધી છે. આ હાઈવોલ્ટેજ મુકાબલાનો વિજેતા સીધો ફાઇનલમાં પહોંચશે, જ્યાં પહેલેથી જ Royal Challengers Bengaluru પોતાની જગ્યા બનાવી ચૂકી છે. આવી સ્થિતિમાં સૌના મનમાં એક જ સવાલ છે કે જો વરસાદના કારણે મેચ રદ્દ થઈ જાય તો ફાઇનલમાં કઈ ટીમ જશે?

IPLના નિયમો મુજબ ક્વોલિફાયર-1, એલિમિનેટર અને ક્વોલિફાયર-2 માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જોકે મેચ પૂર્ણ થાય તે માટે વધારાના 120 મિનિટનો સમય આપવામાં આવે છે. આયોજકો ઓછામાં ઓછા 5-5 ઓવરની મેચ કરાવવાનો પ્રયાસ કરશે. પરંતુ જો એક પણ બોલ ન ફેંકાઈ શકે અથવા પરિણામ ન નીકળી શકે તો નિર્ણય પોઈન્ટ્સ ટેબલના આધારે લેવાશે.

લીગ સ્ટેજ બાદ ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને રહી હતી, જ્યારે રાજસ્થાન રોયલ્સ ચોથા સ્થાને રહી હતી. એટલે કે જો વરસાદના કારણે મેચ ધોવાઈ જાય તો ગુજરાત ટાઇટન્સને સીધી ફાઇનલની ટિકિટ મળશે. આ નિયમ IPL પ્લેઓફ માટે પહેલાથી નક્કી કરવામાં આવ્યો છે.

રાજસ્થાને એલિમિનેટરમાં શાનદાર જીત મેળવી ક્વોલિફાયર-2માં પ્રવેશ કર્યો છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ ક્વોલિફાયર-1માં હાર્યા બાદ અહીં પહોંચ્યું છે. હવે ચાહકો ઈચ્છી રહ્યા છે કે વરસાદ વિઘ્ન ન બને અને બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળે.

Exit mobile version