LATEST

સતત બીજી વખત જીત્યો એલન બોર્ડર મેડલ

ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટર ટ્રેવિસ હેડે ફરી એકવાર પોતાની શાનદાર બેટિંગનો પરચો આપ્યો છે. હેડે સતત બીજી વખત પ્રતિષ્ઠિત એલન બોર્ડર મેડલ પોતાના નામે કરી લીધો છે. આ સાથે તે સતત બે વર્ષ આ એવોર્ડ જીતનાર ઓસ્ટ્રેલિયાનો માત્ર પાંચમો ક્રિકેટર બની ગયો છે.

2026ના ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એવોર્ડ્સમાં હેડે પોતાના સાથી ખેલાડી અને વિકેટકીપર બેટર એલેક્સ કેરીને માત્ર એક મતથી પાછળ છોડી દીધો. જ્યારે મિચેલ સ્ટાર્ક તેના કરતાં ત્રણ મત પાછળ રહ્યો. આ પરિણામ દર્શાવે છે કે હેડ અને કેરી વચ્ચે એવોર્ડ માટે કેટલી કાંટેની ટક્કર હતી.

હેડ માટે પાછલું વર્ષ ખાસ રહ્યું હતું. ખાસ કરીને એશિઝ સિરીઝમાં તેણે ત્રણ સદી ફટકારી હતી. પર્થ ટેસ્ટમાં તેણે માત્ર 83 બોલમાં 123 રનની તોફાની ઇનિંગ રમી હતી. એશિઝ દરમિયાન ઓપનિંગની જવાબદારી મળ્યા બાદ પણ હેડે પોતાની આક્રમક બેટિંગથી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી.

એશિઝમાં હેડે કુલ 629 રન બનાવ્યા હતા, જે તેની શાનદાર ફોર્મનો પુરાવો છે. આ પ્રદર્શનના કારણે તે ઓસ્ટ્રેલિયન ક્રિકેટના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવામાં સફળ રહ્યો છે.

એલન બોર્ડર મેડલ જીત્યા બાદ હેડે આ સન્માનને પોતાના અને પરિવાર માટે ખાસ ગણાવ્યું હતું. સતત બે વખત આ એવોર્ડ જીતવાથી હેડ હવે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. રિકી પોન્ટિંગ, માઈકલ ક્લાર્ક, શેન વોટસન અને ડેવિડ વોર્નર બાદ હેડ આ સિદ્ધિ મેળવનારો પાંચમો ખેલાડી છે.

હેડની આ સિદ્ધિ એ વાતનો સંકેત છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં તેની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ બની ગઈ છે. આગામી ટેસ્ટ અને આંતરરાષ્ટ્રીય મુકાબલાઓમાં પણ તેની પાસેથી આવી જ વિસ્ફોટક બેટિંગની અપેક્ષા રહેશે.

Exit mobile version