ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન Kane Williamsonએ 12 જૂને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન જેવા મહત્વપૂર્ણ માઈલસ્ટોનથી નજીક હોવા છતાં તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો. વિલિયમસનના આ નિર્ણય બાદ હવે એવા કેટલાક સિનિયર ખેલાડીઓ અંગે ચર્ચા શરૂ થઈ છે, જેઓ પણ ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે.
આ યાદીમાં પ્રથમ નામ ભારતના અનુભવી ઓપનર અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માનું છે. 39 વર્ષીય રોહિતે અનેક વખત 2027ના વનડે વર્લ્ડ કપમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ તેની ફોર્મ અને ફિટનેસ આગામી દિવસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. IPL 2026 દરમિયાન ઈજાના કારણે તેઓ કેટલાક મેચોમાંથી બહાર રહ્યા હતા. જો અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં તેમનું પ્રદર્શન નિરાશાજનક રહેશે તો તેઓ નિવૃત્તિ અંગે મોટો નિર્ણય લઈ શકે છે.
બીજું નામ અફઘાનિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર મોહમ્મદ નબીનું છે. 41 વર્ષની ઉંમરે પણ નબી ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. જોકે વધતી ઉંમરની અસર હવે તેમના પ્રદર્શનમાં જોવા મળી રહી છે. માનવામાં આવે છે કે તેઓ 2027 વર્લ્ડ કપ સુધી રમવાનો પ્રયાસ કરશે, પરંતુ જો પ્રદર્શન અપેક્ષા મુજબ નહીં રહે તો તેઓ આ વર્ષે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે.
ત્રીજા સ્થાને બાંગ્લાદેશના અનુભવી બેટ્સમેન મુશફિકુર રહીમ છે. 20 વર્ષથી વધુ લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દી ધરાવતા રહીમ હાલમાં માત્ર ટેસ્ટ ક્રિકેટમાં સક્રિય છે. 39 વર્ષની ઉંમરે પહોંચેલા રહીમે પહેલેથી જ વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. બાંગ્લાદેશની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પહોંચવાની શક્યતા ઓછી હોવાથી રહીમ પણ ટૂંક સમયમાં નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
કેન વિલિયમસનની વિદાય બાદ હવે ક્રિકેટપ્રેમીઓની નજર આ ત્રણ દિગ્ગજોના આગામી નિર્ણય પર ટકેલી છે.

