ODIS

પાકિસ્તાન ક્રિકેટ ટીમને મળ્યો નવો બેટિંગ કોચ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પુરુષ ક્રિકેટ ટીમના નવા બેટિંગ કોચ તરીકે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અને અનુભવી કોચ માઈકલ સ્મિથની નિમણૂક કરી છે. બોર્ડે તેને બે વર્ષના કરાર પર ટીમ સાથે જોડ્યા છે. પાકિસ્તાનની સતત નબળી બેટિંગ અને મહત્વની મેચોમાં થતા બેટિંગ કોલેપ્સને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

46 વર્ષીય માઈકલ સ્મિથ પાસે આંતરરાષ્ટ્રીય અને ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાં કોચિંગનો વિશાળ અનુભવ છે. તેઓ 89 ફર્સ્ટ ક્લાસ, 72 લિસ્ટ-એ અને 16 ટી20 મેચ રમી ચૂક્યા છે. કોચ તરીકે તેણે પાકિસ્તાન સુપર લીગ (PSL)માં ઇસ્લામાબાદ યુનાઇટેડ, કરાચી કિંગ્સ અને તાજેતરમાં મુલ્તાન સુલ્તાન્સ સાથે કામ કર્યું છે. ઉપરાંત, તેઓ ઓસ્ટ્રેલિયાની હોબાર્ટ હરિકેન્સ, ક્રિકેટ તાસ્માનિયા તેમજ દક્ષિણ આફ્રિકાની કેટલીક ટીમો સાથે પણ જોડાયેલા રહ્યા છે.

PCBએ સ્પષ્ટ કર્યું છે કે સ્મિથ ટેસ્ટ તેમજ વ્હાઇટ-બોલ બંને ફોર્મેટમાં બેટિંગ કોચ તરીકે જવાબદારી સંભાળશે. તેની પ્રથમ મોટી જવાબદારી 19 ઓગસ્ટથી શરૂ થનારી ઇંગ્લેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી રહેશે. ઇંગ્લેન્ડની મુશ્કેલ પરિસ્થિતિમાં પાકિસ્તાની બેટર્સનું પ્રદર્શન સુધારવું તેના માટે મોટો પડકાર રહેશે.

તાજેતરના સમયમાં પાકિસ્તાનની બેટિંગ પર સતત સવાલો ઊભા થયા છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ ટીમે મજબૂત સ્થિતિમાંથી મેચ ગુમાવી હતી અને દબાણની ક્ષણોમાં બેટિંગ નિષ્ફળ રહી હતી. આવી સ્થિતિમાં PCBને આશા છે કે માઈકલ સ્મિથ પોતાની ટેકનિકલ સમજ, આધુનિક તાલીમ પદ્ધતિઓ અને અનુભવોના આધારે ટીમના બેટર્સમાં વધુ સ્થિરતા લાવી શકશે.

હવે તમામની નજર ઇંગ્લેન્ડ પ્રવાસ પર રહેશે, જ્યાં માઈકલ સ્મિથના માર્ગદર્શન હેઠળ પાકિસ્તાનની બેટિંગ લાઇનઅપ કેવી રીતે પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ બનશે. જો તેઓ ટીમની બેટિંગમાં જરૂરી સુધારો લાવવામાં સફળ રહેશે તો પાકિસ્તાન માટે આગામી આંતરરાષ્ટ્રીય પડકારો વધુ સરળ બની શકે છે.

Exit mobile version