2027માં ભારત સામે રમાનારી પાંચ ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. ટીમ ભારત પ્રવાસ દરમિયાન એક પણ પરંપરાગત પ્રેક્ટિસ મેચ નહીં રમે. તેના બદલે ખેલાડીઓને ભારતીય પરિસ્થિતિઓમાં ઢાળવા માટે ખાસ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ માહિતી ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ એન્ડ્ર્યૂ મેકડોનાલ્ડે આપી છે.
મેકડોનાલ્ડના જણાવ્યા અનુસાર, ટીમને વિશ્વાસ છે કે વિશેષ ટ્રેનિંગ કેમ્પ ખેલાડીઓને ભારતીય પીચો અને સ્પિન બોલિંગ માટે વધુ સારી રીતે તૈયાર કરશે. આ કેમ્પ ભારત અથવા યુએઈમાં યોજાઈ શકે છે, જ્યાં ભારતીય જેવી પરિસ્થિતિઓ ઉપલબ્ધ હોય. ટીમનું માનવું છે કે પ્રેક્ટિસ મેચ કરતાં આ પ્રકારની તૈયારી વધુ અસરકારક સાબિત થશે.
ઓસ્ટ્રેલિયાએ 2023ના ભારત પ્રવાસ દરમિયાન પણ બેંગલુરુમાં સ્પિન-ફ્રેન્ડલી વિકેટ પર તૈયારી કરી હતી. તેમ છતાં નાગપુર ટેસ્ટમાં ટીમને ભારે પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને આખી શ્રેણી પણ 2-1થી ગુમાવી હતી. હવે 2027માં ઓસ્ટ્રેલિયા નવી વ્યૂહરચના સાથે ભારતને પડકાર આપવા માગે છે.
જાન્યુઆરીથી માર્ચ 2027 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27નો મહત્વપૂર્ણ ભાગ હશે. પ્રથમ ટેસ્ટ નાગપુરમાં રમાવાની છે. આ શ્રેણી બંને ટીમો માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ પણ નિર્ણાયક બની શકે છે.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ છેલ્લે 2004માં ભારતની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી હતી. ત્યારથી ભારતીય પરિસ્થિતિઓમાં તેને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. હવે જોવાનું રહેશે કે પ્રેક્ટિસ મેચ વિના માત્ર વિશેષ ટ્રેનિંગ કેમ્પના આધારે ઓસ્ટ્રેલિયાનો આ મોટો દાવ કેટલો સફળ સાબિત થાય છે.
Australia are trying something different ahead of the 2027 Border-Gavaskar Trophy. 👀
Andrew McDonald’s side will skip a practice match and instead prepare in India-like conditions as they chase a rare Test series win on Indian soil.
Full story 👇#INDvsAUS #BGT2027…
— India Today Sports (@ITGDsports) August 5, 2026

