ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાંના એક Mahendra Singh Dhoni આજે પણ પોતાના અનોખા રેકોર્ડ્સના કારણે ક્રિકેટ જગતમાં અલગ ઓળખ ધરાવે છે. ધોનીએ માત્ર ભારતને અનેક ઐતિહાસિક જીત અપાવી નથી, પરંતુ એવા અનેક રેકોર્ડ બનાવ્યા છે જેને તોડવું આગામી વર્ષોમાં પણ ખૂબ મુશ્કેલ માનવામાં આવે છે. તેના જન્મદિવસના અવસરે તેના પાંચ સૌથી ખાસ અને ઐતિહાસિક રેકોર્ડ ફરી ચર્ચામાં આવ્યા છે.
સૌથી પહેલો અને સૌથી મોટો રેકોર્ડ એ છે કે ધોની વિશ્વ ક્રિકેટના એકમાત્ર એવા કેપ્ટન છે જેમણે ત્રણેય મોટી ICC ટ્રોફી જીતી છે. તેના નેતૃત્વમાં ભારતે 2007નો ટી20 વર્લ્ડ કપ, 2011નો વનડે વર્લ્ડ કપ અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી હતી. આ સિદ્ધિ આજ સુધી કોઈ અન્ય કેપ્ટન હાંસલ કરી શક્યો નથી.
ધોનીના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેચોમાં ભારતની કેપ્ટનશિપ કરવાનો પણ રેકોર્ડ છે. તેણે 200 વનડે, 72 ટી20 અને 60 ટેસ્ટ સહિત કુલ 332 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું, જેમાંથી 178 મેચમાં ભારતને જીત અપાવી હતી.
‘બેસ્ટ ફિનિશર’ તરીકે ઓળખાતા ધોનીએ વનડે ક્રિકેટમાં સૌથી વધુ 84 વખત નોટઆઉટ રહીને ઇનિંગ્સ પૂર્ણ કરી છે. મુશ્કેલ પરિસ્થિતિમાં મેચ જીતાડવાની તેની ક્ષમતાએ તેને વિશ્વના સૌથી વિશ્વસનીય ફિનિશરોમાં સ્થાન અપાવ્યું.
વિકેટકીપર બેટ્સમેન તરીકે ધોનીનો 183* રનનો વનડે સ્કોર પણ આજે સુધી અતૂટ છે. તેણે 2005માં શ્રીલંકા સામે આ ઐતિહાસિક ઇનિંગ્સ રમી હતી, જે આજે પણ કોઈ વિકેટકીપર દ્વારા બનાવાયેલો સર્વોચ્ચ વ્યક્તિગત વનડે સ્કોર છે.
વિકેટકીપિંગમાં પણ ધોનીનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 195 સ્ટમ્પિંગ કરવાનો વિશ્વ રેકોર્ડ તેના નામે નોંધાયેલો છે. તેની ઝડપી સ્ટમ્પિંગ અને શાનદાર ગેમ રીડિંગને કારણે તેને વિશ્વના સર્વશ્રેષ્ઠ વિકેટકીપરોમાં ગણવામાં આવે છે. આ તમામ સિદ્ધિઓ ધોનીને માત્ર મહાન ખેલાડી જ નહીં, પરંતુ ક્રિકેટ ઇતિહાસના સૌથી યાદગાર લેજન્ડ્સમાં સ્થાન અપાવે છે.
