ODIS

ICCના નવા વર્લ્ડ કપ ફોર્મેટ સામે કેપ્ટનોનો વિરોધ

આઈસીસી દ્વારા 2027ના વનડે વર્લ્ડ કપ માટે જાહેર કરવામાં આવેલા નવા ફોર્મેટને લઈને ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને એસોસિયેટ દેશોના ખેલાડીઓ અને કેપ્ટનોએ આ નિર્ણય સામે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેનું માનવું છે કે આ નવા ફોર્મેટથી નાના ક્રિકેટ રમતા દેશોને વિશ્વ મંચ પર પોતાની પ્રતિભા બતાવવાની તક વધુ મર્યાદિત થઈ જશે.

નવા ફોર્મેટ મુજબ વર્લ્ડ કપમાં કુલ 14 ટીમો હશે, પરંતુ સૌથી નીચા ક્રમે રહેલી ત્રણ ક્વોલિફાઈ થયેલી ટીમોને પહેલાં ‘સુપર સિરીઝ’ રમવી પડશે. આ ત્રણમાંથી માત્ર એક ટીમને જ મુખ્ય સ્ટેજમાં પ્રવેશ મળશે. ત્યારબાદ મુખ્ય ટૂર્નામેન્ટમાં 12 ટીમો બે જૂથમાં રમશે અને ત્યાર પછી ‘સુપર 7’ તબક્કો યોજાશે. આ બદલાવનો હેતુ ટૂર્નામેન્ટને વધુ સ્પર્ધાત્મક બનાવવાનો હોવાનું ICCનું કહેવું છે.

પરંતુ નેધરલેન્ડ્સ, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ અને નામીબિયા જેવા દેશોના કેપ્ટનોએ આ ફોર્મેટને ક્રિકેટના વૈશ્વિક વિકાસ માટે નુકસાનકારક ગણાવ્યો છે. તેનું કહેવું છે કે વર્ષો સુધી મહેનત કરીને વર્લ્ડ કપમાં પહોંચવાની તક મળતી હોય છે, પરંતુ નવા નિયમો તેમના સપનાઓને વધુ મુશ્કેલ બનાવી રહ્યા છે. ખેલાડીઓએ આરોપ લગાવ્યો કે ICCએ આ નિર્ણય લેતા પહેલાં તેમની સાથે કોઈ યોગ્ય ચર્ચા કે સલાહ લીધી નહોતી.

વિશ્વ ક્રિકેટર્સ એસોસિયેશન (WCA)એ પણ ICCના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. સંસ્થાએ કહ્યું કે ક્રિકેટને વધુ દેશોમાં ફેલાવવાની વાતો વચ્ચે આવા નિયમો વિપરીત સંદેશ આપે છે અને એસોસિયેટ રાષ્ટ્રો માટે આગળ વધવાનો માર્ગ વધુ કઠિન બનાવે છે.

ICCનું માનવું છે કે નવા ફોર્મેટથી દરેક મેચનું મહત્વ વધશે અને ટૂર્નામેન્ટ વધુ રોમાંચક બનશે. જોકે, આ નિર્ણયને લઈને હવે ક્રિકેટ જગતમાં મતભેદ ઊભા થયા છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ચર્ચા થવાની સંભાવના છે.

Exit mobile version