ક્રિકેટ જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં સ્થાન મેળવનારા વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ સર ગારફિલ્ડ (ગેરી) સોબર્સનું 89 વર્ષની વયે નિધન થયું છે. તેના નિધન સાથે ક્રિકેટના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. સોબર્સના અવસાનના સમાચાર મળતા જ વિશ્વભરના ક્રિકેટરો, ક્રિકેટ બોર્ડ અને ચાહકોએ તેને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
સર ગારફિલ્ડ સોબર્સનો જન્મ બાર્બાડોસમાં થયો હતો અને માત્ર 17 વર્ષની ઉંમરે તેમણે વેસ્ટ ઇન્ડિઝ માટે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 1954થી 1974 સુધી ચાલેલી તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેણે 93 ટેસ્ટ મેચોમાં 8,032 રન બનાવ્યા હતા, જેમાં 26 સદીનો સમાવેશ થાય છે. સાથે જ તેણે 235 વિકેટ પણ ઝડપી હતી. તેમની બેટિંગ, ઝડપી અને સ્પિન બોલિંગ તેમજ અદભૂત ફિલ્ડિંગને કારણે તેને ક્રિકેટ ઇતિહાસનો સૌથી સંપૂર્ણ ઓલરાઉન્ડર માનવામાં આવે છે.
1958માં પાકિસ્તાન સામે રમાયેલી ટેસ્ટ મેચમાં સોબર્સે અણનમ 365 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી હતી. તે સમયે આ ટેસ્ટ ક્રિકેટનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર હતો, જે 36 વર્ષ સુધી અતૂટ રહ્યો. ઉપરાંત 1968માં તેણે એક ઓવરમાં સતત છ છગ્ગા ફટકારીને પણ અનોખો ઇતિહાસ રચ્યો હતો.
ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝે તેના નિધન પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે, “એક મહાન ઇનિંગ્સનો અંત આવ્યો છે, પરંતુ સર ગારફિલ્ડ સોબર્સની વિરાસત હંમેશા જીવંત રહેશે.” સચિન તેંડુલકર, વિરાટ કોહલી, સુનીલ ગાવસ્કર, બ્રાયન લારા સહિત અનેક દિગ્ગજોએ તેને ક્રિકેટનો મહાનાયક ગણાવી શ્રદ્ધાંજલિ આપી છે.
સર ગારફિલ્ડ સોબર્સનું નામ હંમેશા ક્રિકેટના સર્વકાલીન મહાન ખેલાડીઓમાં લેવામાં આવશે. તેની સિદ્ધિઓ અને રમત પ્રત્યેનું સમર્પણ આવનારી અનેક પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
One of the greatest cricketers to have ever graced the game, Sir Garfield Sobers, has sadly passed away. Our thoughts are with his family, friends and @windiescricket as we say goodbye to an ICC Hall of Famer.https://t.co/IyeYerI0ok
— ICC (@ICC) July 17, 2026
