ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં રમાયેલી નિર્ણાયક ત્રીજી વનડેમાં શાનદાર સદી ફટકારીને પોતાની ક્લાસ ફરી એકવાર સાબિત કરી. જોકે ટીમ ઈન્ડિયા આ મુકાબલો 27 રને હારી ગઈ અને ત્રણ મેચની શ્રેણી 2-1થી ગુમાવી બેઠી, પરંતુ રોહિતની ઇનિંગ્સ અને ત્યારબાદનો એક ભાવુક પળ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો.
388 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતી ભારતીય ટીમ માટે રોહિત શર્માએ 110 બોલમાં 138 રનની શાનદાર ઇનિંગ્સ રમી. પોતાની આ ઇનિંગ્સ દરમિયાન તેણે 17 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. સદી પૂર્ણ કર્યા બાદ રોહિતે ડ્રેસિંગ રૂમ અથવા ગેલેરી તરફ નહીં, પરંતુ સ્ટેન્ડમાં બેઠેલી પત્ની રિતિકા સજદેહ તરફ જોઈને ફ્લાઈંગ કિસ આપી હતી.
રિતિકા તે સમયે ભાવુક બની ગઈ હતી અને તેની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી રોહિતના ભવિષ્ય અને નિવૃત્તિને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આ સદી તેના માટે ખાસ મહત્વની માનવામાં આવી રહી હતી. પત્નીને સમર્પિત આ નાનકડા હાવભાવએ સ્ટેડિયમમાં હાજર દર્શકોનું દિલ જીતી લીધું અને સોશિયલ મીડિયા પર તેનો વીડિયો ઝડપથી વાયરલ થયો.
રોહિતની આ સદી અનેક કારણોસર ખાસ રહી. દબાણની પરિસ્થિતિમાં તેણે ટીમને જીત તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો અને અંત સુધી સંઘર્ષ કર્યો. જોકે બીજી તરફ ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 387/3નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. બેન ડકેટે 142 અને જેકબ બેથેલે 91 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. જવાબમાં ભારત 360/7 સુધી જ પહોંચી શક્યું.
ભારતને જીત અપાવવામાં ભલે રોહિત સફળ ન રહ્યો હોય, પરંતુ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર તેની આ યાદગાર સદી અને રિતિકા માટેની ફ્લાઈંગ કિસ ક્રિકેટ ચાહકો માટે લાંબા સમય સુધી યાદગાર ક્ષણ બની રહેશે. સોશિયલ મીડિયા પર ચાહકોએ આ પળને “મેચની સૌથી સુંદર ક્ષણ” ગણાવી હતી.
That flying kiss from Rohit Sharma for his wife & daughter. 😍 pic.twitter.com/MNHZM8qtVc
— Rohit Sharma Fan (@hitmanfanfollow) July 20, 2026
