શ્રીલંકાના ડામ્બુલામાં રમાયેલી ટ્રાય-નેશન સિરીઝની ભારત A અને શ્રીલંકા A વચ્ચેની મેચ માત્ર રોમાંચક સુપર ઓવર માટે જ નહીં, પરંતુ મેદાન પર થયેલા ભારે વિવાદ માટે પણ ચર્ચામાં છે. મેચ બાદ ભારતીય ખેલાડીઓ અને શ્રીલંકાના ખેલાડીઓ વચ્ચે થયેલી બોલાચાલી અને તણાવ અંગે પૂર્વ ભારતીય સ્પિનર Ravichandran Ashwinએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર રમાવવી કે નહીં તે મુદ્દે ભારત Aના કેપ્ટન તિલક વર્મા અને અમ્પાયરો વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી. ત્યારબાદ સુપર ઓવરમાં એક નો-બોલના નિર્ણયે વધુ વિવાદ ઊભો કર્યો. ભારતીય ખેલાડીઓએ આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી અને વાતાવરણ ગરમાઈ ગયું હતું.
અશ્વિને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ પ્રકારની મેચોમાં IPL જેટલા કેમેરા કે ટેક્નોલોજી ઉપલબ્ધ હોતી નથી, તેથી કેટલાક નિર્ણયો વિવાદાસ્પદ લાગી શકે છે. તેણે ખાસ કરીને સુપર ઓવર દરમિયાન શ્રીલંકાની ટીમે બેટિંગ માટે આવવામાં કરેલો વિલંબ ભારતીય ખેલાડીઓને ચીડવવા માટેની ‘માઇન્ડ ગેમ’ હોવાનું જણાવ્યું. અશ્વિનના મતે ભારતીય ખેલાડીઓની નિરાશા સ્વાભાવિક હતી, પરંતુ શ્રીલંકાએ પણ પોતાની વ્યૂહરચનાનો ભાગ તરીકે માનસિક દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
મેચ બાદ યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી અને કેટલાક શ્રીલંકન ખેલાડીઓ વચ્ચે બોલાચાલી પણ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ખેલાડીઓ એકબીજા સાથે ઉગ્ર ચર્ચા કરતા નજરે પડ્યા હતા. જોકે પરિસ્થિતિ વધુ બગડે તે પહેલાં અન્ય ખેલાડીઓએ વચ્ચે પડી મામલો શાંત કર્યો હતો.
આ સમગ્ર વિવાદ છતાં ક્રિકેટ ચાહકો માટે આ મુકાબલો ભારે રોમાંચક રહ્યો. સુપર ઓવરમાં શ્રીલંકા Aએ જીત મેળવી પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું, પરંતુ મેચ બાદની ઘટનાઓએ પરિણામ કરતાં વધુ હેડલાઇન્સ મેળવી લીધી.
These games won’t have as many cameras as we are used to seeing in the IPL. The No Ball call in the super over was debatable and the way Sri Lanka delayed coming into bat in the super over really irked the India A side.
The frustration shown by the Indian team was… pic.twitter.com/AQcsksJMuC
— Ashwin 🇮🇳 (@ashwinravi99) June 15, 2026
