OFF-FIELD

21 દિગ્ગજોએ પાકિસ્તાન PMને લખ્યો પત્ર

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સ્વાસ્થ્ય અને જેલમાં તેની સારવારને લઈને વિશ્વ ક્રિકેટ જગત ફરી એકવાર એકજૂથ થયું છે. ભારતના દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવ અને સુનીલ ગાવસ્કર સહિત 21 પૂર્વ આંતરરાષ્ટ્રીય કેપ્ટનોએ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને પત્ર લખીને ઈમરાન ખાનને યોગ્ય અને માનવીય તબીબી સારવાર આપવાની અપીલ કરી છે.

આ પત્રમાં ક્રિકેટ દિગ્ગજોએ ઈમરાન ખાનની તાજેતરની મેડિકલ તપાસની પ્રક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરી છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની તપાસ માટે ખાસ મેડિકલ બોર્ડ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં તેના વ્યક્તિગત ડોક્ટરો અને પરિવારના સભ્યનો પણ સમાવેશ થવાનો હતો. જોકે, ક્રિકેટ દિગ્ગજોના જણાવ્યા પ્રમાણે કોર્ટના આદેશ મુજબની પ્રક્રિયા સંપૂર્ણ રીતે અનુસરાઈ નથી.

તાજેતરમાં ઈમરાન ખાનને ઈસ્લામાબાદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. તપાસ બાદ ડોક્ટરોએ તેને તબીબી રીતે ફિટ ગણાવ્યા અને ત્યારબાદ તેને ફરી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ ઘટનાએ તેના સ્વાસ્થ્યને લઈને ફરી સવાલો ઉભા કર્યા છે.

કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલ, ઇયાન ચેપલ અને અન્ય જાણીતા ક્રિકેટરો પણ આ અપીલમાં સામેલ છે. ક્રિકેટ દિગ્ગજોએ સ્પષ્ટ કર્યું છે કે તેની અપીલ કોઈ રાજકીય પક્ષના સમર્થન માટે નહીં, પરંતુ એક પૂર્વ ક્રિકેટર અને રમતના સાથી માટે યોગ્ય તબીબી સારવાર અને માનવીય વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે છે.

ઈમરાન ખાન પાકિસ્તાનના 1992 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રહી ચૂક્યા છે. તેના ક્રિકેટ કારકિર્દીના કારણે વિશ્વભરમાં તેની અલગ ઓળખ છે. હવે ક્રિકેટ જગતના દિગ્ગજો દ્વારા કરવામાં આવેલી આ અપીલ બાદ પાકિસ્તાન સરકાર તેની સારવાર અને જેલમાં તેની સ્થિતિ અંગે શું પગલું ભરે છે, તેના પર સૌની નજર છે.

Exit mobile version