OFF-FIELD

ડેવિડ વોર્નર કોર્ટ બહાર મીડિયાથી બચતા બચતા પડતાં બચ્યા

ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ઓપનર ડેવિડ વોર્નર ફરી એકવાર ચર્ચામાં છે. ડ્રિંક-ડ્રાઇવિંગ કેસમાં સજા મળ્યા બાદ સિડનીની વેવર્લી લોકલ કોર્ટમાંથી બહાર નીકળતી વખતે વોર્નર મીડિયાથી બચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. આ દરમિયાન તેનું સંતુલન બગડ્યું અને તેઓ રસ્તા પર પડતાં પડતાં બચી ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વોર્નર મંગળવારે કોર્ટમાં હાજર થયા હતા, જ્યાં તેમને મિડ-રેન્જ ડ્રિંક-ડ્રાઇવિંગના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા અને 1,500 ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો. આ ઘટના ઈસ્ટર વીકએન્ડ દરમિયાન બની હતી. પોલીસના રેન્ડમ બ્રેથ ટેસ્ટ દરમિયાન વોર્નરના બ્લડ-આલ્કોહોલનું પ્રમાણ કાયદેસર મર્યાદા કરતાં બે ગણાથી પણ વધારે નોંધાયું હતું. કોર્ટમાં જણાવાયું હતું કે વોર્નર પરિવાર સાથે કારમાં ઘરે જઈ રહ્યા હતા અને પોલીસની બ્રેથ-ટેસ્ટિંગ સાઇટ નજરે પડતાં તેણે ડ્રાઇવર સીટ બદલીને પેસેન્જર સીટ પર જવાનો પ્રયાસ કર્યો હતો.

કોર્ટના નિર્ણય બાદ વોર્નરને 12 મહિના માટે કારમાં ‘ઇન્ટરલોક ડિવાઇસ’ લગાવવું પડશે. આ ડિવાઇસ ડ્રાઇવરના શ્વાસમાં દારૂની હાજરી જણાય તો કાર સ્ટાર્ટ થતી અટકાવે છે. જજ ક્લેર ફર્નાને કહ્યું કે વોર્નર ફરી આવું કરે તેવી શક્યતા ઓછી છે, પરંતુ ડ્રિંક-ડ્રાઇવિંગને કારણે અકસ્માતો અને ગંભીર નુકસાન થતું હોવાથી આવા ગુનાઓ સામે કડક સંદેશ આપવો જરૂરી છે.

વોર્નરના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસને કારણે તેમને ભારે મીડિયા કવરેજનો સામનો કરવો પડ્યો છે અને ભવિષ્યની કોમર્શિયલ તકોને પણ નુકસાન થઈ શકે છે. જોકે, કોર્ટએ આ દલીલને ધ્યાનમાં લીધા છતાં દોષિત ઠેરવવાનો નિર્ણય કર્યો. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે વોર્નરે મીડિયાના કોઈ સવાલનો જવાબ આપ્યો નહોતો અને ઝડપથી પોતાની કાર તરફ જતા રહ્યા હતા.

આ સમગ્ર ઘટનાએ વોર્નરની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. તેઓ હાલમાં કોમેન્ટેટર તરીકે કામ કરે છે અને સિડની થન્ડરના કેપ્ટન પણ છે, તેથી આ કેસની તેના ક્રિકેટિંગ ભવિષ્ય પર પણ અસર પડી શકે છે.

Exit mobile version