ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલરો આકાશ દીપ અને મુકેશ કુમાર માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ સામે આવી છે. બંને ખેલાડીઓને બિહાર સરકાર દ્વારા ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DSP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ એક વિશેષ કાર્યક્રમ દરમિયાન બંને ક્રિકેટરોને નિમણૂક પત્રો અર્પણ કરીને શુભેચ્છા પાઠવી હતી.
આકાશ દીપ અને મુકેશ કુમારે ભારતીય ક્રિકેટમાં પોતાની મહેનત અને પ્રતિભાના બળ પર અલગ ઓળખ બનાવી છે. ખાસ કરીને આકાશ દીપે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની શાનદાર બોલિંગથી પસંદગીકારો અને ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે, જ્યારે મુકેશ કુમારે ટેસ્ટ, વનડે અને ટી20 ત્રણેય ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને પોતાની ક્ષમતા સાબિત કરી છે.
બિહાર સરકાર દ્વારા ખેલાડીઓને સન્માનિત કરવાની આ પહેલને રમતગમત ક્ષેત્ર માટે પ્રોત્સાહક પગલું માનવામાં આવી રહ્યું છે. સરકારનું માનવું છે કે આવી નિમણૂકો યુવા ખેલાડીઓને રમતગમતમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપશે અને રાજ્યનું નામ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરનારા ખેલાડીઓને યોગ્ય સન્માન મળશે.
નિમણૂક પત્ર સ્વીકાર્યા બાદ બંને ક્રિકેટરોએ બિહાર સરકારનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ સન્માન તેની જવાબદારીને વધુ વધારશે. તેણે જણાવ્યું કે તેઓ ક્રિકેટમાં દેશનું ગૌરવ વધારવાની સાથે સમાજ અને રાજ્ય પ્રત્યેની પોતાની ફરજ પણ નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયાસ કરશે.
સોશિયલ મીડિયા પર પણ આ સમાચાર ઝડપથી વાયરલ થયા છે. ક્રિકેટ ચાહકો અને રમતજગતની અનેક હસ્તીઓએ બંને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. ચાહકોનું માનવું છે કે મેદાન પર દેશ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને સરકાર દ્વારા મળતું આવું સન્માન અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બનશે.
આકાશ દીપ અને મુકેશ કુમારની DSP તરીકેની નિમણૂક માત્ર વ્યક્તિગત સિદ્ધિ જ નહીં, પરંતુ રમતગમત ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા ખેલાડીઓના સન્માનનું એક ઉત્તમ ઉદાહરણ પણ બની છે.
आकाश दीप और मुकेश कुमार बने DSP, बिहार के मुख्यमंत्री सम्राट चौधरी ने दिया नियुक्ति पत्रhttps://t.co/d4ZKjTJbbI
— India TV (@indiatvnews) July 24, 2026
