આઈપીએલમાં પંજાબ કિંગ્સ તરફથી રમતા ક્રિકેટર શશાંક સિંહ અને તેના નિવૃત્ત IPS અધિકારી પિતા શૈલેશ સિંહ કાનૂની વિવાદમાં ફસાયા છે. મધ્યપ્રદેશના ભોપાલના રાતીબડ પોલીસ સ્ટેશનમાં બંને સહિત તેના ડ્રાઇવર સામે ઘરેલુ રસોઇયા સાથે મારપીટ, ગાળો આપવા, મોબાઇલ છીનવી લેવા અને જબરદસ્તી કામ કરાવવાના આરોપો હેઠળ FIR નોંધાઈ છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ફરિયાદી વિપેન્દ્ર સિંહ તોમર, જે રીવા જિલ્લાના રહેવાસી છે, તેણે પોલીસને જણાવ્યું કે તેને 25 જૂને શૈલેશ સિંહના ઘરે માસિક 15 હજાર રૂપિયાના પગાર, રહેવા-જમવાની સુવિધા અને ભવિષ્યમાં સરકારી નોકરીમાં મદદના વચન સાથે રસોઇયા તરીકે રાખવામાં આવ્યા હતા. જોકે કામ શરૂ કર્યા બાદ સતત દબાણ કરવામાં આવતું હતું અને ઘરમાં પહેલાથી કામ કરતા અન્ય કર્મચારીઓ સાથે પણ અપમાનજનક વર્તન થતું હોવાનું તેણે જણાવ્યું.
ફરિયાદ અનુસાર, જ્યારે તેણે નોકરી છોડવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે શશાંક સિંહ, તેના પિતા અને ડ્રાઇવરે તેની સાથે ગાળો આપી મારપીટ કરી હતી. એટલું જ નહીં, તેનો મોબાઇલ ફોન પણ છીનવી લેવામાં આવ્યો અને તેને જબરદસ્તી કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું. ફરિયાદીએ પોતાને બચાવવા રૂમમાં બંધ કરી દીધા હોવા છતાં દરવાજો ખોલીને ફરી હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. મેડિકલ તપાસમાં શરીર અને ચહેરા પર ઈજાના નિશાન હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસે ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું છે કે તમામ આરોપોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને તપાસમાં જે હકીકતો સામે આવશે તેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ સમગ્ર ઘટનાએ ક્રિકેટ જગત અને પ્રશાસનિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. જોકે, સમાચાર લખાય ત્યાં સુધી શશાંક સિંહ અથવા તેના પરિવાર તરફથી આ આરોપોને લઈને કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નહોતું.
🚨FIR REGISTERED AGAINST SHASHANK SINGH:
– Punjab Kings batter Shashank Singh, his father, and their family driver have been booked after their domestic cook alleged assault, verbal abuse, and wrongful confinement in Bhopal.
[@ANI] pic.twitter.com/ItwzJrdEKH
— TheWicketReport (@WicketReport) June 30, 2026
