ભારતીય ક્રિકેટનો 15 વર્ષીય ઉભરતો સ્ટાર વૈભવ સૂર્યવંશી માટે રવિવારનો દિવસ યાદગાર બની ગયો. ઇંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી પૂર્ણ થયા બાદ વૈભવને પ્રથમ વખત વિશ્વપ્રસિદ્ધ વિમ્બલડન ટેનિસ ચેમ્પિયનશિપની મેન્સ સિંગલ્સ ફાઇનલને સેન્ટર કોર્ટ પરથી નિહાળવાની તક મળી. આ ખાસ પ્રસંગે તેની સાથે ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ તેમજ ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો અભિષેક શર્મા અને સંજુ સેમસન પણ હાજર રહ્યા હતા.
વિમ્બલડનને આપેલા એક ઇન્ટરવ્યુમાં વૈભવે જણાવ્યું કે આ તેનો પ્રથમ લાઇવ ગ્રાન્ડ સ્લેમ અનુભવ હતો અને તેઓ ફાઇનલ મેચનો માહોલ નજીકથી અનુભવવા આતુર હતા. તેમણે કહ્યું કે છેલ્લા ચારથી પાંચ વર્ષથી તેઓ ટેનિસને અનુસરે છે. બાળપણથી રાફેલ નડાલ અને નોવાક જોકોવિચ તેના પ્રિય ખેલાડીઓ રહ્યા છે, જ્યારે હાલની પેઢીમાં તેઓ વિશ્વ નંબર-1 જાનિક સિનરને સૌથી વધુ પસંદ કરે છે અને ફાઇનલમાં તેના સમર્થનમાં હતા.
વૈભવનો સ્ટાઇલિશ લુક પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો. જ્યારે તેને તેના ડ્રેસિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે હસતાં કહ્યું કે ખાસ કોઈ તૈયારી કરી નહોતી. ઉતાવળમાં જે કપડાં મળ્યા તે પહેરી લીધા અને આ સમગ્ર લુક તૈયાર કરવામાં અભિષેક શર્માએ તેની ઘણી મદદ કરી. આ વાતે ચાહકોનું પણ ધ્યાન ખેંચ્યું હતું.
વાતચીત દરમિયાન વૈભવને પૂછવામાં આવ્યું કે જો ટેનિસમાં ડબલ્સ રમવાની તક મળે તો તેઓ કયા ક્રિકેટરને પોતાનો પાર્ટનર બનાવશે? તેના જવાબમાં તેણે તરત જ અભિષેક શર્માનું નામ લીધું અને કહ્યું કે જેમ તેઓ ક્રિકેટના મેદાન પર તેની સાથે રમે છે, તેમ ટેનિસ કોર્ટ પર પણ તેમને જ પાર્ટનર તરીકે પસંદ કરશે.
આ વર્ષે વિમ્બલડનમાં ભારતીય ક્રિકેટરોની ખાસ હાજરી જોવા મળી છે. અગાઉ સચિન તેંડુલકર અને શુભમન ગિલ પણ સેમિફાઇનલ જોવા પહોંચ્યા હતા, જ્યારે હવે વૈભવ સૂર્યવંશીની હાજરીએ યુવા ભારતીય ક્રિકેટરોની વધતી વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવી છે.
