IPL 2026 બાદ હવે મુંબઈ T20 લીગ 2026માં પણ સરફરાજ ખાને પોતાના બેટથી ધમાકો મચાવ્યો છે. ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળ્યા બાદ સ્થાનિક ક્રિકેટમાં રમી રહેલા સરફરાજે ફરી એકવાર પોતાની પ્રતિભા સાબિત કરી છે. આકાશ ટાઇગર્સ MWS તરફથી રમતા સરફરાજે નોર્થ મુંબઈ પેન્થર્સ સામે એવી તોફાની ઇનિંગ્સ રમી કે સ્ટેડિયમમાં બેઠેલા ચાહકો રોમાંચિત થઈ ઉઠ્યા હતા.
5 જૂને રમાયેલી આ મેચમાં નોર્થ મુંબઈ પેન્થર્સે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટે 194 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ટીમ માટે આયુષ વર્તકે શાનદાર બેટિંગ કરતાં માત્ર 41 બોલમાં અણનમ 83 રન ફટકાર્યા હતા. તેની ઇનિંગ્સમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થતો હતો. બીજી તરફ, ટીમના કેપ્ટન Ajinkya Rahane ખાસ અસર છોડી શક્યા નહોતા અને માત્ર 15 રન બનાવી શક્યા હતા.
195 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આકાશ ટાઇગર્સ માટે સરફરાજે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું. તેણે માત્ર 21 બોલમાં 62 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી અને લગભગ 295ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. તેની ઇનિંગ્સમાં અનેક આકર્ષક બાઉન્ડરી અને વિશાળ છગ્ગા જોવા મળ્યા. ખાસ કરીને પાવરપ્લે દરમિયાન તેણે વિરોધી બોલરો પર સતત દબાણ જાળવી રાખ્યું હતું.
જો કે સરફરાજની આ ધમાકેદાર ઇનિંગ્સ છતાં આકાશ ટાઇગર્સની ટીમ જીત મેળવી શકી નહોતી અને તેને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં સરફરાજની બેટિંગે ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ હાલમાં શાનદાર ફોર્મમાં છે અને ભવિષ્યમાં ભારતીય ટીમના દરવાજા પર મજબૂત દાવેદારી રજૂ કરી શકે છે. તેની આ ઇનિંગ્સ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની ગઈ છે.
#SarfarazKhan scores the Joint Fastest 50 (off 17 balls) in @T20Mumbai for @TigersAakash vs @NMumbaiPanthers @MumbaiCricAssoc
Video credit: T20 Mumbai League/MCA pic.twitter.com/P2njUsAaIx— Gaurav Gupta (@toi_gauravG) June 5, 2026
