OTHER LEAGUES

કેપ્ટન સાથે મેન્ટરની પણ જવાબદારી

ભારતીય ક્રિકેટના દિગ્ગજ ઑફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ એક મોટી જવાબદારી મળી છે. યુરોપિયન ટી20 પ્રીમિયર લીગ (European T20 Premier League)ની નવી ફ્રેન્ચાઇઝી ડબ્લિન ગાર્ડિયન્સએ અશ્વિનને ટીમના કેપ્ટન અને મેન્ટર તરીકે નિયુક્ત કર્યા છે. એક જ સમયે બંને મહત્વપૂર્ણ જવાબદારીઓ મળતા ક્રિકેટ જગતમાં આ નિર્ણયની વ્યાપક ચર્ચા થઈ રહી છે.

વર્ષ 2026થી શરૂ થનારી યુરોપિયન ટી20 પ્રીમિયર લીગની પ્રથમ આવૃત્તિમાં કુલ છ ટીમો ભાગ લેશે. તેમાં ડબ્લિન ગાર્ડિયન્સ પણ સામેલ છે. અગાઉ ટીમના માલિક તરીકે ભારતના દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડનું નામ જાહેર કરવામાં આવ્યું હતું અને હવે અશ્વિનને ટીમની કમાન સોંપવામાં આવી છે. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું કે અશ્વિન ટીમને મેદાનની અંદર અને બહાર બંને રીતે માર્ગદર્શન આપશે.

39 વર્ષીય અશ્વિન પાસે ટી20 ક્રિકેટનો વિશાળ અનુભવ છે. તેમણે 2009માં આઈપીએલમાં ડેબ્યૂ કર્યા બાદ વિવિધ ટીમો માટે લાંબા સમય સુધી રમતાં 221 મેચમાં 187 વિકેટ ઝડપી છે. સાથે જ બેટથી પણ 833 રન બનાવી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમનો અનુભવ નવી લીગમાં ડબ્લિન ગાર્ડિયન્સ માટે સૌથી મોટી તાકાત બની શકે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ અશ્વિનનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારત માટે રમતાં તેમણે ત્રણેય ફોર્મેટ મળીને 287 મેચમાં કુલ 765 વિકેટ ઝડપી હતી અને 4394 રન પણ બનાવ્યા હતા. તેઓ વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાંના એક ગણાય છે અને મેચની પરિસ્થિતિને સમજવાની તેમની ક્ષમતા માટે જાણીતા છે.

આ નવી ભૂમિકા સાથે અશ્વિન માત્ર ખેલાડી તરીકે નહીં પરંતુ યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપનારા મેન્ટર તરીકે પણ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવશે. ડબ્લિન ગાર્ડિયન્સને આશા છે કે અશ્વિનનું નેતૃત્વ અને અનુભવ ટીમને યુરોપિયન ટી20 પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં સફળતા અપાવવામાં નિર્ણાયક સાબિત થશે.

Exit mobile version