ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલી વન-ડે કપ 2026 ટૂર્નામેન્ટમાં ભારતીય ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવે પોતાની શાનદાર બોલિંગથી ફરી એકવાર સૌનું ધ્યાન ખેંચ્યું છે. યોર્કશાયર તરફથી રમતા કુલદીપે ડરહામ સામેના મુકાબલામાં ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર અને પૂર્વ ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને પોતાની ફિરકીમાં ફસાવી દીધા. કુલદીપની બોલિંગ સામે સ્ટોક્સ સંપૂર્ણપણે સંઘર્ષ કરતા જોવા મળ્યા અને આખરે રિવર્સ સ્વીપ રમવાના પ્રયાસમાં કેચ આઉટ થઈ પેવેલિયન પરત ફર્યા.
બેન સ્ટોક્સે કુલદીપની 10 બોલનો સામનો કર્યો હતો, પરંતુ તે દરમિયાન માત્ર 2 રન જ બનાવી શક્યા. સ્ટોક્સે કુલ 39 બોલમાં 12 રનની ધીમી ઇનિંગ્સ રમી હતી. કુલદીપે પોતાની સ્પિનથી તેને સતત દબાણમાં રાખ્યા અને આખરે જ્યોર્જ હિલના હાથે કેચ આઉટ કરાવ્યા. સ્ટોક્સની વિકેટ મેચનું સૌથી મોટું આકર્ષણ બની રહી.
કુલદીપ યાદવે પોતાના 10 ઓવરના કોટામાં માત્ર 23 રન આપીને 2 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. તેણે એક મેઈડન ઓવર પણ ફેંકી હતી. બેન સ્ટોક્સ ઉપરાંત કોલિન એકરમેનને પણ પેવેલિયનનો રસ્તો બતાવ્યો. કુલદીપની કિફાયતી બોલિંગના કારણે ડરહામની આખી ટીમ 49 ઓવરમાં માત્ર 165 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
166 રનના સરળ લક્ષ્યનો પીછો કરતાં યોર્કશાયરે માત્ર 3 વિકેટ ગુમાવીને 41 ઓવરમાં જ મેચ જીતી લીધી. જેમ્સ વોર્ટને 58 અને સેમ વ્હાઇટમેનએ 52 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી ટીમને જીત અપાવી. આ જીત સાથે યોર્કશાયરની ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત નોંધાઈ છે અને ટીમ 5 મેચમાં 16 પોઈન્ટ સાથે ગ્રુપ-બીમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ ડરહામને ચાર મેચ બાદ પ્રથમ હારનો સામનો કરવો પડ્યો.
Kuldeep gets Stokes
Yorkshire vs Durham pic.twitter.com/8yCD5JWtB9— GKS (@GKS_Cricket) July 31, 2026
