દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2026માં નીતિશ રાણાની શાનદાર બેટિંગ બાદ મેદાન પર એવો ભાવુક ક્ષણ જોવા મળ્યો, જેને જોઈને ક્રિકેટ ચાહકોની આંખો પણ ભીની થઈ ગઈ. વેસ્ટ દિલ્હી લાયન્સ તરફથી રમતા નીતિશ રાણાએ સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ સામે તોફાની અર્ધસદી ફટકારી, પરંતુ 50 રન પૂર્ણ કર્યા બાદ તે પોતાની દિવંગત માતાને યાદ કરીને મેદાન પર જ રડી પડ્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મેચ દરમિયાન નીતિશ રાણાએ માત્ર 27 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી હતી. તેણે કુલ 33 બોલમાં 60 રનની આક્રમક ઇનિંગ્સ રમી, જેમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થયો. અર્ધસદી પૂર્ણ કર્યા બાદ નીતિશે આકાશ તરફ આંગળી કરી અને પોતાની માતાને યાદ કરી. ત્યારબાદ તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે મેદાન પર જ ભાવુક થઈ ગયો.
નીતિશ રાણાની માતાનું 7 ઓગસ્ટ 2026ના રોજ લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. માતાના નિધનના થોડા જ દિવસો બાદ નીતિશે ફરી ક્રિકેટના મેદાન પર વાપસી કરી હતી. આ મેચમાં તેણે પોતાની માતાની યાદમાં જર્સી પણ પહેરી હતી, જેના પાછળ ‘N. Satish’ નામ લખેલું હતું. અર્ધસદી બાદ નીતિશને ભાવુક જોઈને વિરોધી ટીમના ખેલાડીઓ અને અમ્પાયરે તેની પાસે જઈને તેને સાંત્વના આપી હતી.
નીતિશની 60 રનની ઇનિંગ્સના કારણે વેસ્ટ દિલ્હી લાયન્સે 19.5 ઓવરમાં 169 રન બનાવ્યા હતા. જોકે સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સે આ લક્ષ્યાંક કોઈ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 15.2 ઓવરમાં હાંસલ કરી લીધો. સનત સાંગવાને અણનમ 111 રનની તોફાની સદી ફટકારી, જ્યારે અનમોલ શર્માએ પણ અણનમ અર્ધસદી નોંધાવી. પરિણામે સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સે 10 વિકેટે શાનદાર જીત મેળવી.
પરંતુ મેચના પરિણામ કરતાં નીતિશ રાણાની ભાવુક ક્ષણની વધુ ચર્ચા થઈ રહી છે. પોતાની માતાને સમર્પિત આ અર્ધસદી નીતિશ માટે માત્ર એક ક્રિકેટિંગ સિદ્ધિ નહીં, પરંતુ માતા પ્રત્યેના પ્રેમ અને શ્રદ્ધાંજલિનું પ્રતીક બની ગઈ છે.
A moment that said everything his heart couldn’t. 🧿🥺
We are with you Nitish!#AdaniDPL2026 #AdaniDPL #NitishRana #DelhiPremierLeague #WDLvsSDS pic.twitter.com/FTKt5dCMrP
— Delhi Premier League T20 (@DelhiPLT20) August 17, 2026
