ભારતીય ક્રિકેટર અને દિલ્હી કેપિટલ્સના વિસ્ફોટક બેટિંગ ઓલરાઉન્ડર આશુતોષ શર્માને ઈંગ્લેન્ડની પ્રતિષ્ઠિત કાઉન્ટી ટીમ હેમ્પશાયરે મેટ્રો બેંક વન-ડે કપ 2026 માટે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હેમ્પશાયરે સત્તાવાર રીતે આ જાહેરાત કરી છે, જેના કારણે આશુતોષ હવે પ્રથમ વખત ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં પોતાની પ્રતિભા બતાવતો જોવા મળશે.
27 વર્ષીય આશુતોષ શર્મા છેલ્લા બે સીઝનથી IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. ખાસ વાત એ છે કે દિલ્હી કેપિટલ્સ અને હેમ્પશાયર બંનેના સહ-માલિક GMR ગ્રુપ હોવાથી આ ટ્રાન્સફર સરળતાથી શક્ય બન્યું છે. આશુતોષ સમગ્ર વન-ડે કપ દરમિયાન હેમ્પશાયર તરફથી રમશે અને ટીમની બેટિંગને મજબૂત બનાવવાની જવાબદારી સંભાળશે.
હેમ્પશાયરના ક્રિકેટ ડિરેક્ટર ગાઇલ્સ વ્હાઇટે આશુતોષના આગમનને લઈને ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે આશુતોષ એક પ્રતિભાશાળી ખેલાડી છે અને તેણે IPLમાં ઉચ્ચ સ્તરે પોતાને સાબિત કર્યો છે. તેના અનુભવથી હેમ્પશાયરને વન-ડે કપમાં વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ મળશે તેવી ટીમને આશા છે.
આશુતોષનું IPL કરિયર પણ પ્રભાવશાળી રહ્યું છે. તેણે પ્રથમ પંજાબ કિંગ્સ માટે અને ત્યારબાદ દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર ફિનિશરની ભૂમિકા ભજવી છે. આક્રમક બેટિંગ માટે જાણીતા આશુતોષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2023માં રેલવે તરફથી રમતાં માત્ર 11 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે ભારતીય ક્રિકેટમાં સૌથી ઝડપી T20 ફિફ્ટી તરીકે નોંધાઈ હતી.
ડોમેસ્ટિક ક્રિકેટમાં આશુતોષે અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ, લિસ્ટ-એ અને T20 મળી કુલ 90થી વધુ મેચ રમી છે. હાલમાં તે રેલવેનું પ્રતિનિધિત્વ કરે છે. હવે ઈંગ્લેન્ડના કાઉન્ટી ક્રિકેટમાં મળેલી આ તક તેના કરિયરની મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. જો આશુતોષ અહીં પણ IPL જેવી આક્રમક બેટિંગ કરી શકશે તો ભવિષ્યમાં ભારતીય ટીમના દરવાજા પણ તેના માટે વધુ મજબૂત રીતે ખુલ્લા થઈ શકે છે.
Allrounder Ashutosh Sharma is set to represent Hampshire in the One-Day Cup that starts on July 21 pic.twitter.com/laB2FMwfAE
— Cricinfo (@cricinfo) July 20, 2026
