ભારતના પૂર્વ કેપ્ટન MS Dhoni લાંબા સમય બાદ ફરી એકવાર ક્રિકેટ મેદાન પર જોવા મળ્યા. IPL 2026 દરમિયાન ઈજાના કારણે સમગ્ર ટૂર્નામેન્ટથી દૂર રહેલા ધોનીએ ઝારખંડ T20 લીગની પ્રથમ આવૃત્તિના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી અને ચાહકોનું દિલ જીતી લીધું. રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ધોની મુખ્ય આકર્ષણ રહ્યા હતા.
સમારોહ દરમિયાન ધોનીએ પ્રતીકાત્મક સિક્કો ઉછાળી ટૂર્નામેન્ટની સત્તાવાર શરૂઆત કરાવી. કાળા પોલો ટી-શર્ટ અને સનગ્લાસિસમાં જોવા મળેલા ધોની ખૂબ જ શાંત અને આત્મવિશ્વાસભર્યા અંદાજમાં દેખાયા હતા. તેના આગમન સાથે જ સમગ્ર સ્ટેડિયમમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો અને હજારો ચાહકોએ જોરદાર વધામણી કરી હતી.
ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (JSCA) દ્વારા આયોજિત આ લીગમાં કુલ છ ટીમો ભાગ લઈ રહી છે. લીગમાં 27 મેચો રમાશે, જેમાં લીગ સ્ટેજ પછી બે સેમિફાઇનલ અને ફાઇનલનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ રાજ્યના યુવા ક્રિકેટરોને પોતાની પ્રતિભા દર્શાવવાનું મોટું મંચ પૂરું પાડવાનો છે.
ઉદ્ઘાટન મેચ ચોટાનાગપુર રોયલ્સ અને રાંચી ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં લોકપ્રિય ગાયિકા કનિકા કપૂરે પ્રસ્તુતિ આપી હતી. ધોનીની હાજરીએ સમગ્ર કાર્યક્રમને વધુ ખાસ બનાવી દીધો હતો.
ધોની લાંબા સમયથી ઝારખંડ ક્રિકેટનું સૌથી મોટું નામ રહ્યા છે અને તેની હાજરી યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ માનવામાં આવે છે. IPLમાંથી ગેરહાજર રહેલા ધોનીને ફરી મેદાન પર જોઈને ચાહકોમાં ખુશીની લહેર ફરી વળી હતી અને સોશિયલ મીડિયા પર પણ તેની વાપસી ચર્ચાનો વિષય બની હતી.
MS DHONI FLIPPING THE COIN IN JHARKHAND T20 LEAGUE. 😄❤️ pic.twitter.com/bhN2qm5XP0
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 10, 2026
