‘બેબી એબી’ તરીકે જાણીતા દક્ષિણ આફ્રિકાના યુવા બેટર ડેવાલ્ડ બ્રેવિસે ધ હન્ડ્રેડ 2026માં પોતાની તોફાની બેટિંગથી ફરી એકવાર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર બ્રેવિસે એવો અદભૂત શોટ ફટકાર્યો કે સ્ટેડિયમમાં હાજર દર્શકો સહિત સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકો પણ દંગ રહી ગયા. બ્રેવિસે રેહાન અહેમદની બોલિંગ પર 97 મીટર લાંબો ‘નો-લુક’ સિક્સ ફટકાર્યો હતો.
આ ઘટના લંડન સ્પિરિટ અને બર્મિંઘમ ફીનિક્સ વચ્ચેની મેચ દરમિયાન બની હતી. રેહાન અહેમદે બ્રેવિસને મુશ્કેલીમાં મૂકવા માટે બોલને લેગ સાઇડ તરફ દૂર ફેંક્યો હતો. જોકે બ્રેવિસે શાનદાર ટાઈમિંગ સાથે બોલને લૉન્ગ-ઓનની દિશામાં હવામાં મોકલી દીધો. સૌથી ખાસ વાત એ હતી કે શોટ રમ્યા બાદ બ્રેવિસે બોલ ક્યાં ગયો તે જોવા માટે પાછળ પણ જોયું નહીં. બોલ સીધો સ્ટેન્ડ્સમાં જઈને પડ્યો અને તેની લંબાઈ 97 મીટર નોંધાઈ. આ શોટનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
આ મેચમાં બ્રેવિસે માત્ર સિક્સ જ નહીં, પરંતુ બેટિંગથી પણ પોતાની ક્ષમતા સાબિત કરી. તેણે 31 બોલમાં અણનમ 55 રનની તોફાની ઇનિંગ રમી, જેમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થયો. તેનો સ્ટ્રાઈક રેટ 177.42 રહ્યો. બ્રેવિસની સાથે લંડન સ્પિરિટના કેપ્ટન લિયમ લિવિંગસ્ટોને પણ 30 બોલમાં 66 રનની ઝડપી ઇનિંગ રમી. બંનેની શાનદાર બેટિંગના કારણે લંડન સ્પિરિટે 163 રનનો લક્ષ્યાંક માત્ર 82 બોલમાં હાંસલ કરી લીધો અને 7 વિકેટે મેચ જીતી લીધી.
બ્રેવિસના આ અદભૂત શોટથી ફરી સાબિત થયું છે કે તેની પાસે માત્ર પાવર હિટિંગ જ નહીં, પરંતુ અનોખા અને આત્મવિશ્વાસભર્યા શોટ રમવાની પણ ખાસ કળા છે. ધ હન્ડ્રન્ડમાં તેનો આ ‘નો-લુક’ સિક્સ લાંબા સમય સુધી ચાહકોને યાદ રહેશે.
Dewald Brevis launches a HUGE no-look six! #DewaldBravis #TheHundred #Cricket
pic.twitter.com/lEwKCk5UVd— Cricket Guru (@CricketGuru_CG) August 10, 2026
