અમેરિકામાં રમાઈ રહેલી મેજર લીગ ક્રિકેટ (MLC) 2026માં સિયાટલ ઓર્કાસે વોશિંગ્ટન ફ્રીડમ સામે શાનદાર પ્રદર્શન કરીને 88 રને જંગી જીત નોંધાવી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે પોતાની વિસ્ફોટક બેટિંગથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સિયાટલની ઇનિંગ્સ દરમિયાન 17મી ઓવરમાં સ્ટોઇનિસે ઇયાન હોલેન્ડ સામે તોફાની બેટિંગ કરતાં પાંચ છગ્ગા ફટકાર્યા. ઓવરનો ક્રમ 6, 6, 6, 6, 0, 6 રહ્યો, એટલે કે તેણે એક જ ઓવરમાં કુલ 30 રન ઉઘરાવ્યા. સ્ટોઇનિસના આ આક્રમક પ્રહારે મેચનો રંગ જ બદલી નાખ્યો અને સિયાટલે વિશાળ સ્કોર ઉભો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
સ્ટોઇનિસ ઉપરાંત શિમરોન હેટમાયરે પણ તોફાની ઇનિંગ્સ રમી હતી, જેના કારણે સિયાટલ ઓર્કાસે 20 ઓવરમાં 227 રનનો મોટો સ્કોર ઉભો કર્યો. વોશિંગ્ટન ફ્રીડમ સામે આ લક્ષ્ય ખૂબ જ મુશ્કેલ સાબિત થયું.
228 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વોશિંગ્ટન ફ્રીડમની ટીમ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી. સિયાટલના બોલર જસદીપ સિંહે ઘાતક બોલિંગ કરીને વિરોધી બેટિંગ લાઇનઅપને ધરાશાયી કરી દીધી. તેમણે પાંચ વિકેટ ઝડપી મેચના હીરોમાં પોતાનું નામ નોંધાવ્યું. જસદીપની શાનદાર બોલિંગના કારણે વોશિંગ્ટનની ટીમ નિર્ધારિત ઓવરો પહેલાં જ માત્ર 139 રનમાં સમેટાઈ ગઈ.
આ જીત સાથે સિયાટલ ઓર્કાસે ટૂર્નામેન્ટમાં પોતાનો આત્મવિશ્વાસ વધાર્યો છે. એક તરફ માર્કસ સ્ટોઇનિસની તોફાની બેટિંગ અને બીજી તરફ જસદીપ સિંહની પાંચ વિકેટની સિદ્ધિએ આ મેચને યાદગાર બનાવી દીધી. ક્રિકેટ ચાહકો માટે સ્ટોઇનિસના પાંચ છગ્ગાવાળી ઓવર અને સિયાટલની સર્વાંગી જીત લાંબા સમય સુધી ચર્ચાનો વિષય રહેશે.
6️⃣6️⃣6️⃣6️⃣⚫6️⃣ pic.twitter.com/3RUMlW0ln5
— Cognizant Major League Cricket (@MLCricket) June 26, 2026
