ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ફાસ્ટ બોલર ઝહીર ખાને ક્રિકેટ જગતમાં નવી ઇનિંગ્સની શરૂઆત કરી છે. મેદાન પર પોતાની ઘાતક બોલિંગ માટે જાણીતા ઝહીર હવે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં માલિક તરીકે જોવા મળશે. લંકા પ્રીમિયર લીગ (LPL)ની સૌથી સફળ ટીમ જાફના કિંગ્સમાં તેણે સહ-માલિક તરીકે એન્ટ્રી કરી છે. આ સાથે જ ટીમના નામમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
સ્ટોકહોમ સ્થિત સ્પોર્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ કંપની એન્કર સ્પોર્ટ્સ એબી દ્વારા જાફના ફ્રેન્ચાઇઝીનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે. આ કંપનીમાં ઝહીર ખાન સહ-માલિક તરીકે જોડાયા છે. નવા માલિકીના પગલે ટીમનું નામ હવે ‘એન્કર જાફના કિંગ્સ’ રાખવામાં આવ્યું છે. કંપનીના સ્થાપક નાગેન્દ્ર સિદ્દૌતમ અને ઝહીર ખાન સંયુક્ત રીતે ટીમનું સંચાલન કરશે.
જાફના ફ્રેન્ચાઇઝી લંકા પ્રીમિયર લીગની સૌથી સફળ ટીમોમાંની એક છે. ટીમ અત્યાર સુધી ચાર વખત LPLનું ટાઇટલ જીતી ચૂકી છે અને તેની સફળતાનો ગ્રાફ સતત ઊંચો રહ્યો છે. આવી સફળ ટીમ સાથે ઝહીર ખાનનું જોડાવું ભારતીય ક્રિકેટ ચાહકો માટે પણ ગૌરવની વાત માનવામાં આવી રહી છે.
ઝહીર ખાને કહ્યું કે ક્રિકેટે તેને ઘણું આપ્યું છે અને હવે તેઓ રમતના વિકાસમાં નવા રૂપે યોગદાન આપવા માંગે છે. તેણે આશા વ્યક્ત કરી કે એન્કર જાફના કિંગ્સને આગામી વર્ષોમાં વધુ મજબૂત અને સફળ ટીમ બનાવવામાં તેઓ મહત્વની ભૂમિકા ભજવશે.
ભારત માટે 300થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારા ઝહીર ખાન 2011ના વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના મુખ્ય બોલરોમાં સામેલ હતા. નિવૃત્તિ બાદ તેઓ કોચિંગ અને મેંટરિંગ સાથે જોડાયેલા રહ્યા હતા, પરંતુ હવે પ્રથમ વખત ફ્રેન્ચાઇઝી માલિક તરીકે તેની નવી ઓળખ ઉભી થઈ છે. ક્રિકેટ ચાહકોને હવે તેની આ નવી સફર કેટલી સફળ રહે છે તેના પર નજર રહેશે.
Zaheer Khan joins Jaffna Kings in LPL as a co-owner.
The franchise has officially been rebranded as ‘Anchor Jaffna Kings’. pic.twitter.com/Uht24sjWXf
— Cricbuzz (@cricbuzz) August 4, 2026
