OTHER LEAGUES

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ કેએસ ભરતનો UAE તરફ વળાંક

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન કેએસ ભરતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પોતાના કરિયરની નવી શરૂઆત માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)નો રસ્તો અપનાવ્યો છે. 32 વર્ષીય ભરત હાલમાં દુબઈમાં છે અને ત્યાં ક્રિકેટ સાથે જોડાયેલી નવી તકો શોધી રહ્યા છે. ખાસ કરીને તેમની નજર UAEની પ્રતિષ્ઠિત T20 લીગ ILT20 પર ટકેલી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

અહેવાલો અનુસાર, કેએસ ભરતને અમીરાત ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજિત ચાર ટીમોના સ્થાનિક ટૂર્નામેન્ટમાં ‘ટીમ સ્ટેલિયન્સ’માં સ્થાન આપવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટ દ્વારા તેઓ UAEના ક્રિકેટ માળખાનો ભાગ બનશે અને સ્થાનિક ક્રિકેટમાં પોતાનું સ્થાન મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. UAE ક્રિકેટ સાથે સંકળાયેલા અધિકારીઓનું માનવું છે કે અન્ય દેશોના અનેક ખેલાડીઓની જેમ ભરત પણ ટૂંકા અને લાંબા ગાળાની તકોની શોધમાં દુબઈ પહોંચ્યા છે.

કેએસ ભરતે 4 જૂન 2026ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ભારત માટે કુલ 7 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 221 રન બનાવ્યા હતા અને વિકેટ પાછળ 19 શિકાર કર્યા હતા. તેની છેલ્લી ટેસ્ટ મેચ 2024માં ઇંગ્લેન્ડ સામે રમાઈ હતી.

IPLમાં પણ ભરતનું નામ જાણીતું રહ્યું છે. તેઓ Royal Challengers Bengaluru અને Delhi Capitals જેવી ટીમોનો ભાગ રહી ચૂક્યા છે. હવે તેઓ UAEની ILT20 લીગમાં સ્થાન મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, જે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી T20 લીગોમાંથી એક માનવામાં આવે છે.

ભારતીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ કેએસ ભરત માટે UAEનું આ નવું અધ્યાય કેટલું સફળ સાબિત થાય છે તે જોવું રસપ્રદ રહેશે. જો તેઓ ILT20માં સ્થાન મેળવવામાં સફળ રહેશે, તો તેના અનુભવનો લાભ UAE ક્રિકેટને પણ મળી શકે છે અને તેના કરિયરને નવી દિશા મળી શકે છે.

Exit mobile version