TEST SERIES

સદી સાથે 6 વિકેટ લઈને આપ્યો મજબૂત સંદેશ

બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર મહેદી હસન મિરાજે ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી ટેસ્ટ શ્રેણી પહેલાં પોતાની શાનદાર ફોર્મનો પરિચય આપ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન સામે રમાયેલી ત્રણ દિવસીય વોર્મ-અપ મેચમાં મિરાજે બેટ અને બોલ બંનેથી જબરદસ્ત પ્રદર્શન કરીને ટીમ મેનેજમેન્ટને મોટો વિશ્વાસ અપાવ્યો છે.

મેચમાં બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટોચના બેટ્સમેનો નિષ્ફળ જતા ટીમ માત્ર 110 રનમાં 6 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આવી કપરા સમયે મહેદી હસન મિરાજે જવાબદારી સંભાળી અને શાનદાર અણનમ 109 રનની ઇનિંગ્સ રમી. તેની આ ઇનિંગ્સમાં આક્રમકતા અને ધીરજ બંને જોવા મળ્યા હતા. મિરાજે નીચલા ક્રમના બેટ્સમેનો સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમનો સ્કોર 263 રન સુધી પહોંચાડ્યો.

બેટિંગ બાદ બોલિંગમાં પણ મિરાજે પોતાની અસર છોડી. તેણે વિરોધી ટીમ સામે 6 વિકેટ ઝડપી અને સાબિત કર્યું કે તેઓ માત્ર ઉપયોગી બેટ્સમેન જ નહીં પરંતુ મેચનું પાસું પલટાવી શકે એવા ઓલરાઉન્ડર પણ છે. તેની આ ઓલરાઉન્ડ રમતને કારણે બાંગ્લાદેશને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં મોટો આત્મવિશ્વાસ મળ્યો છે.

મિરાજ છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં સતત સારો દેખાવ કરી રહ્યા છે અને તેઓ બાંગ્લાદેશના સૌથી વિશ્વસનીય ખેલાડીઓમાં સામેલ થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયાની ઝડપી અને ઉછાળભરી પિચો પર તેનું આ પ્રદર્શન ખાસ મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે આવી પરિસ્થિતિમાં સફળતા મેળવવી સરળ નથી.

હવે તમામની નજર 13 ઓગસ્ટથી શરૂ થનારી બે ટેસ્ટ મેચોની શ્રેણી પર રહેશે. જો મહેદી હસન મિરાજ આ જ લય જાળવી રાખશે તો બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયાને કઠિન પડકાર આપી શકે છે અને શ્રેણીમાં મોટું ઉલટફેર કરવાની આશા પણ રાખી શકે છે.

Exit mobile version