ઇંગ્લેન્ડમાં રમાતી લોકપ્રિય ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટની નવી સીઝનની શરૂઆત 21 જુલાઈથી થવાની છે. આ વખતે ટૂર્નામેન્ટ અનેક કારણોસર ખાસ બનવાની છે, કારણ કે ઘણી ટીમોના માલિકો બદલાયા છે. ખાસ કરીને આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓએ ટીમોમાં રોકાણ કર્યા બાદ તેમની ઓળખને પોતાના આઈપીએલ બ્રાન્ડ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના માલિક સંજીવ ગોયંકાએ ધ હન્ડ્રેડમાં મેનચેસ્ટર ઓરિજિનલ્સ ટીમ ખરીદી હતી. ત્યારબાદ ટીમનું નામ બદલીને મેનચેસ્ટર સુપર જાયન્ટ્સ રાખવામાં આવ્યું. હવે આગામી સીઝન માટે ફ્રેન્ચાઇઝીએ દક્ષિણ આફ્રિકાના ટી-20 ટીમના કેપ્ટન એડન માર્કરમને ટીમની કમાન સોંપી છે.
ગયા સીઝનમાં મેનચેસ્ટર ટીમની કપ્તાની ફિલ સોલ્ટ પાસે હતી, પરંતુ હવે તેઓ બીજી ફ્રેન્ચાઇઝી સાથે જોડાઈ ગયા છે. હરાજી દરમિયાન જ સ્પષ્ટ થઈ ગયું હતું કે મેનચેસ્ટર સુપર જાયન્ટ્સ નવા કેપ્ટનના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. હવે ટીમે સત્તાવાર રીતે એડન માર્કરમના નામની જાહેરાત કરી છે.
મેનચેસ્ટર સુપર જાયન્ટ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું, “એક નવા યુગની શરૂઆત સૌથી આગળ રહીને નેતૃત્વ કરશે એડન માર્કરમ. તેઓ હવે મેનચેસ્ટર સુપર જાયન્ટ્સની પુરુષ ટીમના નવા કેપ્ટન છે.”
નોંધનીય છે કે માર્કરમ ધ હન્ડ્રેડની હરાજીમાં સૌથી મોંઘા વિદેશી ખેલાડી રહ્યા હતા. તેઓ હાલમાં મેનચેસ્ટર સુપર જાયન્ટ્સ (ધ હન્ડ્રેડ), લખનૌ સુપર જાયન્ટ્સ (IPL) અને ડરબન સુપર જાયન્ટ્સ (SA20) – એમ ત્રણેય ‘સુપર જાયન્ટ્સ’ ફ્રેન્ચાઇઝીનો ભાગ છે.
બીજી તરફ, IPL 2027 પહેલાં લખનૌ સુપર જાયન્ટ્સને પણ નવા કેપ્ટનની જરૂર પડશે. કારણ કે ટીમ લીગ સ્ટેજમાંથી બહાર થયા બાદ ઋષભ પંતે કપ્તાની છોડવાનો નિર્ણય લીધો હતો, જેને મેનેજમેન્ટે સ્વીકારી લીધો હતો. ત્યારબાદ પંત ફરી દિલ્હી કેપિટલ્સ સાથે જોડાઈ ગયા છે.
હવે LSG માટે નવા કેપ્ટન તરીકે એડન માર્કરમ, મિચેલ માર્શ અને નિકોલસ પૂરનના નામ ચર્ચામાં છે. જો માર્કરમ પોતાની કપ્તાનીમાં મેનચેસ્ટર સુપર જાયન્ટ્સને ધ હન્ડ્રેડનો ખિતાબ અપાવવામાં સફળ રહેશે, તો IPL 2027માં પણ તેને LSGના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી શક્યતા ખૂબ જ મજબૂત માનવામાં આવી રહી છે.
A new era begins 🔥
Leading from the front — Aiden Markram is the new captain of the Manchester Super Giants men’s team ❤️💙 pic.twitter.com/heKEWol0bw
— Manchester Super Giants (@ManchesterSG100) July 10, 2026
